લુણાવાડા સતરામપુર હાઇવે રોડ પર ગોદર ગામ પાસે એક કાર બળેલી હાલતમાં મળી હતી. આ કાર બાલાસિનોર ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી.બુધવારે મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ પણ મળી આવી છે. બેંક મેનેજરનો હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. સંતરામપુરથી કડાણા તરફ જવાના રસ્તા પર વિશાલ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો.
મોડી રાતે જ જિલ્લા પોલીસ વડા, ડી વાય એસ પી, સંતરામપુર પોલીસ,એલ સી બી, એસ ઓ જી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી હતી. આખરે પોલીસે આરોપીને ઝડપીને ગુનો ઉકેલી નાંખ્યો છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં ICICI બેંકમાં ફરજ બજાવતા મેનેજર 1.17 કરોડ રૂપિયા લઈને દાહોદ બ્રાંચમાં જમા કરાવવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન તેમની કાર ગત મોડી રાત્રે લુણાવાડા સંતરામપુર હાઈવે પર બળેલી હાલતમાં મળી આવી હતી. જ્યારે તેમની લાશ મળતાં હત્યા થયાની શંકા હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ પોલીસે આરોપી હત્યારાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંતરામપુરની ICICI બેન્કના મેનેજર વિશાલ પાટીલની હત્યા અને એક કરોડ 17 લાખ રૂપિયાની લૂંટનો આરોપી હર્ષિલ પટેલની ધરપકડ કરી લઈને ગુનો ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી હર્ષિત પટેલે મૃતક વિશાલ પાટીલ સાથે બેંકના કામે પહેલા મિત્રતા કરી હતી બાદમાં તેની હત્યા કરીને તેનો મૃતદેહ અવાવરૂ જગ્યામાં ફેંકીને રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. આરોપીએ મેનેજરના માથામાં ગોળી મારી હતી. ત્યાર બાદ કાર સળગાવીને મેનેજરનો મૃતદેહ અવાવરૂ જગ્યામાં ફેંકી દીધો હતો.