જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં બે સગી બહેનો પર એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં બન્ને બહેનો ગંભીર રીતે દાઝી જતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સેજલ મકવાણા (ઉ.વ.30) નામની યુવતીના લગ્ન આજથી 13 વર્ષ અગાઉ માણાવદર ખાતે રહેતા અમિત નામના યુવક સાથે થયા હતા. પતિ ચારિત્ર્ય ઉપર શંકા રાખીને મારઝૂડ કરતો હોવાથી સેજલ દોઢેક માસ અગાઉ ધંધુસર ગામે પોતાના પિયરે આવી ગઈ હતી.દરમિયાન બે દિવસ અગાઉ મોડી રાતે સેજલ અને તેની બહેન હેતલ વાડીની ઓરડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન બન્ને બહેનોને શરીરે ગરમ લાગતા જાગી ગઈ હતી. જ્યાં તેમણે બારીની બહાર અમિત અને તેના નાના ભાઈ કિશનને હાથમાં એસિડની બોટલ સાથે ઉભેલા જણાયા હતા. જેમણે વધુ એક વખત બન્ને બહેનો પર એસિડ છાંટતા બૂમાબૂમ થતા અમિત અને કિશન ઉપરાંત તેમની સાથે આવેલા 3 અજાણ્યા ઈસમો ભાગી છૂટ્યા હતા.
જે બાદ પરિવારજનો બન્ને બહેનોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં નાની બહેન સેજલ ચહેરા, હાથ અને છાતીના ભાગે દાઝી ગઈ છે. એસિડ એટેકના કારણે તેણીની ડાબી આંખ ખુલી નથી રહી. જ્યારે મોટી બહેનના પણ જમણી આંખમાં એસિડ પડતાં તે પણ જોઈ શકતી નથી.હાલ તો વંથલી પોલીસે સેજલ મકવાણાની ફરિયાદના આધારે તેના પતિ અમિત અને દિયર કિશન સહિત 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.