જૂનાગઢમાં 24 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોતઃ દાંડીયા રમતાં રમતાં ઢળી પડ્યો

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (12:40 IST)
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. રાજકોટ, સુરત બાદ હવે જૂનાગઢમાં પણ એક યુવક દાંડિયા રમતાં રમતાં ઢળી પડ્યો હતો. જ્યાં તેને સ્થાનિકો દ્વારા પ્રાથમિક સારવાર અપાઈ હતી પણ તેનો જીવ બચી શક્યો નહોતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં હાર્ટ એટેકના કારણે તેનું મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતો ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. જે દર વર્ષે નવરાત્રિ પહેલાં દાંડિયા ક્લાસીસમાં જતો અને નવરાત્રિમાં દાંડિયા રમતો હતો. ચિરાગ પરમાર ગઇકાલે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં સાંજના 8:00 વાગ્યાના સમયે ગયો હતો અને ત્યાં દાંડિયા રમવા લાગ્યો હતો. જ્યાં તેને ચક્કર આવતાં તે બેભાન થયો હતો. તેની આસપાસના લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

કોચિંગ ક્લાસીસના કોચ મહેન્દ્રભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે, ચિરાગ પરમાર એટલે કે જીગાને અમે આઠ-દસ વર્ષથી ઓળખીએ છીએ. ગઇકાલે અચાનક જ એક દુઃખદ ઘટના બની હતી. જીગો અમારા ક્લાસીસમાં દાંડિયાની પ્રેક્ટિસ કરવા માટે આવ્યો હતો. એટલે 8 થી 10 વર્ષના સમયથી ચિરાગ પરમાર દાંડિયામાં એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે. ત્યારે કાલે અચાનક જ દાંડિયા રમતાં રમતાં તે ક્લાસીસમાં ઢળી પડ્યો હતો. ત્યારે ત્યાં હાજર લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ ચિરાગ પરમારને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને એટેકના આવવાથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર