ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યા પછી મોદી સરકારનું આ પહેલું સામાન્ય બજેટ નાણામંત્રી અરૂણ જેટલીએ સવારે 11 વાગે રજૂ કર્યું. સામાન્ય બજેટ સાથે અરૂણ જેટલીએ રેલવે બજેટ પણ રજૂ કર્યું. નાણામંત્રીએ જણાવ્યું કે, હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સ માટે જરૂરી મેનપાવરને ટ્રેઇન કરવા માટે એક ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના વડોદરામાં આવશે. આ વખતે રેલવે માટે સરકારે રૂ. 1,48,528 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરની ફાળવણી કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ રકમની ફાળવણી છે. જોકે અપેક્ષા હતી તે પ્રમાણે કોઇ મેજર નવી ટ્રેનની જાહેરાત કરવામાં ન આવી. આ વખતે સરકારનું ફોકસ મોડર્નાઇઝેશન અને મુસાફરોની સુરક્ષા પર વધુ છે. ઉલ્લેખનીય છે કે રેલવે બજેટ અને યુનિયન બજેટને અલગ-અલગ રજૂ કરવાની 92 વર્ષ જૂની પરંપરાને ગયા વર્ષે તોડવામાં આવી હતી અને રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું.