બહુચર્ચિત નલિયા સેક્સ કાંડના ઉતરાર્ધમાં આજથી શરૂ થતું ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ભારે ઉત્તેજનાસભર અને અતિધાંધલ ધમાલવાળું બની રહેશે એમાં કોઈ મીનખેમ નથી. રાજ્યમાં વિધાનસભાની યોજાનારી ચૂંટણીઓ પૂર્વેનું આ છેલ્લું લાંબું સત્ર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ભાજપ સરકારની કસોટીરૂપ બની રહેશે, વર્ષ-2017નું પ્રથમ સત્ર હોઇ બંધારણની જોગવાઇ મુજબ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરાશે, જેના પર ત્રણ દિવસ ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધનમાં વ્યક્ત થયેલી સરકારની નીતિઓ પર પ્રસ્તાવ દ્વારા ગૃહમાં ચર્ચા કરાશે.
ગુજરાતમાં વિધાનસભાનું આખરી બજેટ સત્ર શરૂ સોમવારથી થઇ ગયું છે. વિધાનસભાની ચૂંટણી આવતા પહેલાં હજી એક વાર એક કે બે દિવસનું ટૂંકુ સત્ર યોજાશે અને ત્યારબાદ ચૂંટણીનો સંગ્રામ ખેલાશે. આ વખતે ગુજરાતના સળગતા પ્રશ્નોમાં ટોચક્રમે નલિયા સેક્સકાંડ મુખ્ય માનવામાં આવે છે. એ ઉપરાંત મોદીએ લાગુ કરેલી નોટબંધી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો તેમજ કથળેલું વહીવટી તંત્ર મુખ્ય હશે. પાટીદાર અનામત આંદોલનની આગ હજી શાંત પડી નથી. એ મુદ્દો પણ વિપક્ષની ઝોળીમાં આવેલો છે. વિપક્ષ કોંગ્રેસ આ મુદ્દાઓને કેવી સ્ટેટેજીથી ઉઠાવે છે તે મહત્વનું છે, કારણ કે બહુમતિના જોરે વિધાનસભામાં વિરોધ કરવા ઉભા થયેલા વિપક્ષના સભ્યોને ત્વરીત ગતિએ નેઇમ કરીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ લોકસભા નથી. આ અન્ય રાજ્યની વિધાનસભા નથી. ગુજરાત છે. ગુજરાતની વિધાનસભા છે. મોદીએ તેમના શાસનમાં અનેક પરચા વિપક્ષને આપેલા છે. આજે તેમના અનુગામી તેમને જ અનુસરે છે. ગુજરાતમાં બહુમતિના જોરે કાયદા પણ પસાર થયા છે અને બહુમતિના જોરે વિપક્ષને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે. હાલના રાજકીય ગુજરાતના આ બહુ મોટા પ્રશ્નો છે. જો કોંગ્રેસના નેતાઓ જરા પણ પટરી પરથી ઉતર્યા તો વિધાનસભામાં માત્ર ખેલ ખલાસ!!. વિરોધ કરવાવાળું કોઇ મોજૂદ નહીં હોય… આ સંજોગોમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની કાબેલિયત કેવું કામ કરે છે તેની ઉપર મદાર છે.