ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. નીતિન પટેલે રજૂ કરેલાં અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને 50%ને બદલે 70% સબસિડી આપવામાં આવશે, જ્યારે ધોરણ 12 બાદ મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની 100% ફી સરકાર ભરશે.
મતદારોને આકર્ષતી નવી યોજનાઓને મંજૂર કરવા માટે છેલ્લીરાત સુધી નાણાવિભાગ ઉપર દબાણ રહ્યુ છે ત્યારે મંગળવારે જાહેર થનારું બજેટ ચૂંટણીલક્ષી બની રહશે. ચાલુ વર્ષે પગાર માટે રૂ. 11,563 કરોડનો ખર્ચ મંજૂર કરાવનાર સરકારે ડિસેમ્બર સુધીમાં જ રૂ.47,775 કરોડનો પગાર ચૂકવ્યો છે ! 7માં પગારપંચના અમલ, ફિક્સવેતનદરમાં વધારો, ટોલમુક્તિ, ખેતરમાં તાર ફેન્સિંગ જેવા બજેટમાં મંજૂર કર્યા વગરના ખર્ચાઓને કારણે ગુજરાત સરકારના ખર્ચાઓમાં રૃ.64,૦૦૦ કરોડનો જંગી વધારો થયો છે. બીજી તરફ નોટબંધીથી આવકોમાં ભારોભાર ગાબડા પડયા છે. આ બંન્ને સ્થિતિ વચ્ચે ચૂંટણીલક્ષી બજેટના બે છેડા ભેગા કરવામાં સરકારને આંખે પાણી આવ્યુ છે. આમ છતાંયે, નાણાવિભાગે ખેડૂતો, ગ્રામ્ય કારીગરો, નાના અને મધ્યમકદના ઉદ્યોગકારો, મહિલા અને યુવાનોને સ્પર્શતુ બજેટ તૈયાર કર્યું હોવાનુ જણાવતા સુત્રોએ ઉમેર્યુ કે, સિગારેટ અને તમાકુની બનાવટો ઉપર વસૂલાતા ટેક્સમાં વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે.