ODI World Cup 2023: વનડે વર્લ્ડ કપ શરૂ થઈ ચુક્યો છે, પહેલી મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જે ન્યુઝીલેન્ડે 9 વિકેટે જીતી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ માટે હવે તેની પ્રથમ મેચ રમવી મુશ્કેલ લાગી રહી છે. જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી. ગિલ ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને જો તે પ્લેઈંગ 11માંથી બહાર થઈ જાય તો ભારતને મોટું નુકસાન થઈ શકે છે.
આ કારણે રમવું મુશેકલ
ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ માટે ચેન્નાઈમાં હાજર છે. જ્યાં ટીમ ઈન્ડિયા નેટ્સ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહી છે. ભારતીય ટીમે ગુરુવારે પણ જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. પરંતુ આ દરમિયાન શુભમન ગિલ જોવા મળ્યો ન હતો. તે હોટલમાં જ આરામ કરી રહ્યો હતો. પીટીઆઈના અહેવાલો અનુસાર, જ્યારથી ગિલ ચેન્નઈ પહોંચ્યા છે, ત્યારથી તેમને ખૂબ તાવ છે અને તે સંપૂર્ણ આરામ પર છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આજે એટલે કે શુક્રવારે તેનો ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ જ ઓસ્ટ્રેલિયા સામે તેના રમવા અંગે કોઈ નિર્ણય લઈ શકાશે. એવું માનવામાં આવે છે કે ગિલ ડેન્ગ્યુથી પીડિત છે. સામાન્ય રીતે, આ રોગમાંથી સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં ગિલ વધુ કેટલીક મેચો ચૂકી શકે છે.
આ ખેલાડીને મળશે મોકો
જો ગિલ વર્લ્ડ કપમાં પ્રથમ કેટલીક મેચો નહીં રમે તો પ્લેઇંગ 11માં તેના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી શકે છે. કિશન પણ ગિલની જેમ ખૂબ સારા ફોર્મમાં છે. જોકે તે લાંબા સમયથી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે. પરંતુ તેની પાસે ઓપનર તરીકે પણ ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં ગિલની ગેરહાજરીમાં માત્ર ઈશાન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. શુભમન ગિલ આ વર્ષે ખૂબ જ સારા ફોર્મમાં છે. તે આ વર્ષે ભારત માટે એકદીવસિય મેચમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. આવી સ્થિતિમાં, જો ગિલ શરૂઆતની કેટલીક મેચો ચૂકી જાય છે, તો તે ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપની શરૂઆત બગાડી શકે છે.