ભારતના બૅડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ઇતિહાસ રચ્યો છે.
કિદાંબી શ્રીકાંત વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા છે.
તેમણે સ્પેનના હુએલવામાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતના જ ખેલાડી લક્ષ્ય સેનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
એક કલાક અને આઠ મિનિટ ચાલેલી સેમિફાઇનલમાં કિદામ્બીએ લક્ષ્ય સેનને 17-21, 21-14 અને 21-17 થી હરાવ્યા હતા.
આ સાથે એવું પ્રથમ વખત બની રહ્યું છે કે વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતીય પુરુષ ખેલાડીઓ બે મેડલ સાથે પરત ફરશે.
પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને લક્ષ્ય સેને બ્રૉન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે, જ્યારે કિદામ્બી શ્રીકાંત માટે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.
આ પહેલાં ભારતીય ખેલાડીઓમાં પ્રકાશ પાદુકોણ અને સાંઈ પ્રણીતે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.
શ્રીકાંત અને લક્ષ્ય વચ્ચેની સેમિફાઇનલમાં પ્રથમ બે સેટ પૈકી બંનેએ એક-એક જીત્યો હતો, ત્રીજા નિર્ણાયક સેટમાં શ્રીકાંતે બાજી મારી હતી.
લક્ષ્ય સેને પોતાના પ્રદર્શનથી બતાવ્યું કે આવનારો સમય તેમનો છે. જો તેઓ તેમની ફિટનેસમાં થોડો સુધારો કરે અને તેમના ડ્રૉપ શોટ્સને થોડો વધુ શાર્પ કરે, તો તે ટૂંક સમયમાં ચૅમ્પિયન તરીકે ઉભરી શકે છે.