અત્યાર સુધી લોકો દારૂ કે ગાંજાનો નશો કરતા હોવાનું સામે આવતું હતું, પરંતુ શહેરના બાપુનગર વિસ્તારમાં વ્હાઇટનરનો નશો કરવામાં આવતા હોવાનો ચોંકવનારો કેસ સામે આવ્યો છે. અહીં રહેતા એક પિતાને પોતાનો પુત્ર વ્હાઇટનરનો નશો કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ પિતાએ વ્હાઇટનર ક્યાંથી લાવે છે તે બાબતની પૂછપરછ કરી હતી. પુત્રએ દુકાનનું નામ આપતા પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી છે.
નરોડા કૃષ્ણનગરમાં રહેતા 38 વર્ષીય યુવક સિરામિકની દુકાનમાં નોકરી કરે છે. યુવક તેની પત્ની અને 16 વર્ષના બાળક સાથે રહે છે. ગઇકાલે તેઓ ઘરે હતા ત્યારે તેમનો પુત્ર જોરથી નસકોરા બોલાવીને કંઇક સૂંઘતો હતો. પિતાએ પુત્રને આ અંગે પૂછપરછ કરતા કિશોરે તેની પાસે રહેલી સફેદ રંગની ટ્યુબ નીચે ફેંકી દીધી હતી.આ ટ્યુબ જેવી વસ્તુ ઉપાડીને જોતા તેના પર કોરેસ એરાઝ-એક્સ પેન 12 એમ.એલ એવું લખ્યું હતું. જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું કે, આ ટ્યુબ જેવી વસ્તુ તે ન સૂંઘે તો તેને ક્યાંક ચેન નથી પડતું અને તેને કંઈ ગમતું નથી.
જે બાદ પિતાએ આ વસ્તુ ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતા કિશોરે તેના પિતાને ઇન્ડિયા કોલોની રોડ પરના પ્રકાશ જનરલ સ્ટોરમાં આ વસ્તુ મળથી હોવાની વાત કરી હતી. પિતા દુકાને ગયા ત્યારે માલિક પ્રફુલ જોશી ત્યાં હાજર મળી આવ્યા હતા. પિતાએ દુકાનદારને જ્યારે પૂછ્યું કે તેઓ વ્હાઇટનર કેમ 18 વર્ષથી નીચેના બાળકોને વેચે છે? ત્યારે દુકાનના માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. સાથે દુકાનદારે એવું પણ કહ્યું હતું કે અનેક બાળકો અહીંથી આ વ્હાઇટનર લઇ જાય છે. તેઓ તેનો શું ઉપયોગ કરે છે તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. દુકાનદારની આવી વાત બાદ કિશોરના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે દુકાન માલિક પ્રફુલ જોશીની દુકાનમાંથી 58 વ્હાઇટનર કબજે કરી હતી અને તેની સામે આઇપીસી 284 અને કિશોર ન્યાય અધિનિયમ 25 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.