બાળકો કુપોષિત ન રહે તેમજ કુપોષણને હરાવવા સરકારે આંગણવાડીના ભૂલકાઓને અઠવાડીયામાં બે વખત સોમવાર અને ગુરૂવારે નાસ્તામાં ફ્રુટ આપવા નિર્ણય કર્યો છે. જેમાં બાળકદીઠ 2 રૂપિયા ફાળવામાં આવ્યો છે. હવે 2 રૂપિયામાં ક્યુ ફ્રુટ બાળકને પોષણ આપી શકે. હાલમાં સફરજન, કેળા,પપૈયાના ભાવ પણ આસમાને છે. ત્યારે બે રૂપિયામાં બાળકોને અડધુ કેળુ આપવું પડે તેવો આ રાજ્ય સરકારનો આ નિર્ણય મજાક સમાન બન્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના 691 અને જામનગર જિલ્લાના 900 જેટલા આંગણવાડીના સંચાલકો બે રૂપિયામાં ક્યું ફ્રુટ આપવું ભારે મુઝવણમાં મુકાય છે.તેમજ હાલારના 1.13 લાખ બાળકો સાથે મજાક થઇ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. સરકાર કુપોષણ રાજ્ય બનાવવા વાતો કરી રહી છે. બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે આંગણવાડીના તમામ ભુલકાઓને પોષકતત્વો ભરેલો ખોરાક આપવાની વાતો કરી રહી છે. તેમજ પોષક તત્વો સાથે ભૂલકાઓને વિટામીન પણ મળી રહે તે માટે અઠાવડીયામાં બે વખત આંણવાડીના બાળકોને નાસ્તામાં ફ્રુટ આપવાનો નિર્ણય કર્યો છે.પરંતૂ આંગણવાડીના બાળકને ફ્રુટ આપવા પ્રતિ બાળકદીઠ માત્ર બે રૂપિયા જ ફાળવ્યા છે.હવે બે રૂપિયામાં ક્યું ફ્રુટ આવે તે એક ગંભીર સવાલ બન્યો છે. સોમવારે અને ગુરૂવારે એક બાળકદીઠ રૂ.2 મળે છે.એટલે કે એક આંગણવાડી કેન્દ્રમાં 30 બાળકો હોઇ તો 30 બાળકોના 60 રૂપિયા મળે છે.તો રૂ.60ના અડધો કિલો સફરજન આવે છે.જેમાંથી અડધુ અડધુ સફરજન કરીને બાળકોને આપવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.