વડોદરામાં ગટરની બાજુમાં ત્યજી દેવાયેલુ નવજાત બાળક મળ્યું, શરીર પર કીડીઓ કરડવાથી બાળક રડતુ હતું

Webdunia
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (15:45 IST)
વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર ગટરની બાજુમાં તરછોડાયેલુ નવજાત બાળક મળી આવ્યું હતું. નવજાત શિશુના રડવાનો અવાજ સાંભળી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને બાળકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ફતેગંજ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારના સાહઆલમ સોસાયટીના રહેવાસી અને ડ્રાઈવિંગનું કામ કરતા પરેશભાઈ રૂપાભાઇ મુનિયા(ઉ.23)એ ફતેગંજ પોલીસ મથકે નોધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ટેમ્પો લઈને તેમના ઘરેથી નીકળ્યા હતા. અને લગભગ સાડા આઠ વાગે પંચમ હાઈટ પાસે છાણી કેનાલ રોડ ઝુપડપટ્ટીના નાળા પાસેથી પસાર થતો હતો. ત્યારે લોકોનું ટોળું એક જગ્યાએ જોવા મળ્યું હતું. દરમિયાન ત્યાં જઈ જોતા નાળાની ગટરની બાજુમાં કપડામાં લપેટેલુ એક નવજાત જન્મેલું બાળક નજરે ચઢ્યું હતું.વહેલી સવારે નવજાત બાળક મળી આવતા મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા. કપડામાં વિટાળેલા બાળક પર કીડીઓ ફરી વળતા તાત્કાલિક તેને પોલીસની મદદથી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના છાણી કેનાલ પાસે કોઇ અજાણ્યું વ્યક્તિ એક નવજાત બાળકને ત્યજીને ફરાર થયું હતું. સવારે ત્યાંથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતા લોકોએ બાળકને શોધવામાં લાગ્યા હતા. દરમિયાન તેઓને કપડાંમાં વીટાળેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું. બાળક પર કીડીઓ ફરતી હોવાથી અને તેના કરડવાથી બાળક સતત રૂદન કરતું હતું.નવજાત શિશુ જીવિત હતું તેને કોઈ અજાણયી સ્ત્રી કોઈ કારણોસર અસુરક્ષિત જગ્યાએ ત્યાજીને જતી રહી હતી. આ બાબતે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને સાથે 108 એમ્બ્યુલન્સ પણ આવી જતા બાળકને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો.નવજાત શિશુના રડવાના અવાજને સાંભળી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નવજાત બાળક મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ફતેગંજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. અને ફરિયાદના આધારે બાળકને ત્યાજી દેવાનો ગુનો નોંધી તેના માતા-પિતાની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

Next Article