- દાહોદ જિલ્લામાં મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ
- આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
- કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે ગત મોડી રાતથી જ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, સુરતના ઓલપાડ સહિતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં મોડી રાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જે બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભરશિયાળે કમોસમી વરસાદ ખાબકડા ખેડૂતોમાં દોડધામ સાથે ચિંતા જોવા મળી હતી.
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. દાહોદ શહેર સહિત લીમખેડા, ઝાલોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભરશિયાળે જાણે ચોમાસુ જામ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ગત મોડી રાત બાદ આજે વહેલી સવારથી જ દાહોદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના, લીમખેડા, ઝાલોદ, ધાનપુર, દેવગઢ બારિયા, સંજેલી સહિતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયા વાતાવરણની સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.
ગરબાડામાં ગત મોડી રાતથી અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી વીજળીના કડાડા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગરબાડા નગર સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગરબાડા નગરમાં આવેલ પોલીસ સ્ટેશન આગળના રસ્તા પર વરસાદી પાણી ભરતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગરબાડા નગરની ગટરોમા વરસાદી પાણી ભરાતા ગટરો ઉભરાઈ ગઈ હતી.રવી સિઝનના પાકો જેવા કે, ઘઉં, ચણા મકાઈના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જિલ્લામા મોડી રાતથી અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસેલા વરસાદના કારણે દાહોદ શહેર સહિત જિલ્લાના લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેમ વરસાદી પાણી વહી રહ્યા છે. વરસાદની સાથે ભારે પવન ફુકાતા તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. જેથી ઠંડીનો ચમકારો વધ્યો છે. લોકો ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે.