ગેરકાયદે દબાણો હટાવીને ટ્રાફિકને અડચણ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન તંત્ર હાઇકોર્ટની ફટકાર બાદ દોડતુ થયું છે. જેની અસર પણ શહેરમાં ધીરેધીરે દેખાવા લાગી છે. આજે પૂર્વ અમદાવાદમાં ડ્રાઇવ દરમિયાન પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનની ટીમે સારંગપુરથી રખિયાલ, ત્યાંથી અજીતમીલ ચોકી થઈ ટોલનાકા ચાર રસ્તા અને ત્યાંથી ઠક્કરનગર સુધીનો ૧૨ કિમીનો માર્ગ ખુલ્લો કર્યો હતો.આ રોડ પર ૧ હજાર વેપારીઓને દબાણ હટાવી લેવાની નોટીસ પાઠવી હતી.
દરમિયાન પોલીસે ૫૦૦ વાહન ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારી ૨૭ હજાર રૂપિયા વસૂલ્યા હતા. જ્યારે ૫૦ જેટલા વાહનો પણ ડિટેઈન કરી લેવાયા હતા. આવી જ ડ્રાઇવ નરોડા, મણિનગર, ઘાટલોડીયામાં પણ યોજાઇ હતી. સેક્ટર-૨ના સંયુક્ત પોલીસ કમિશનર અશોકકુમાર યાદવની આગેવાનીમાં ટ્રાફિક ડીસીપી ઉપરાંત ત્રણેય ઝોનના ડીસીપ, એસીપી અને પી.આઈ સહિત ૨૦૦ પોલીસકર્મીના કાફલાને અલગ અલગ ટીમમાં વહેંચી દેવાયો હતો. એક ટીમ ટુ વ્હિલર પર લાઉડ સ્પિકરથી ગેરકાયદે દબાણો હટાવી લેવા તથા રોડ પર પાર્ક કરેલા વાહનો ખસેડી લેવા સૂચના આપી રહી હતી.પાછળ બીજી ટીમ ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓને નોટીસ આપી રહી હતી. આવી એક હજાર નોટીસ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમે ૫૦૦ વાહન ચાલકોને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ સ્થળ પર જ મેમો આપી ૨૭ હજારનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ૫૦ વાહન ડિટેઈન કરાયા હતા.