કચ્છના માધુપુરા ગામના વતની અને રામદેવપીરના ભગત 60 વર્ષના મુદુલભાઈ ગુલાબરાય ત્રિવેદી દ્વારકાથી કોણી પરથી ચાલતા રામદેવપીરની જન્મભૂમિ હુડુ કાશ્મીર જઈ રહ્યા છે. થરાદના ચાંગડા ગામના નવાભાઈ બગના ઘરે આવતાં તેમનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તેમજ તેમની નિશ્રામાં ચૌદસના દિવસે લુવાણામાં રામપીર કેમ્પ અને ગુરુપુર્ણિમાના પાવન દિવસે ગામના ગૌભક્ત નરસી એચ. દવેના ઘરે રોકાણ થશે.મુદુલભાઈ ત્રિવેદીના માતા-પિતા 2001માં આવેલા ધરતીકંપમાં અવસાન પામતાં તેઓ એકલા જ છે અને રામદેવપીરના ભકત છે. પોતાની જન્મભુમીથી ચાલતા રણુંજા 26 વખત જઇ ચુક્યા છે.
આ વખતે રામદેવપીરની જન્મભુમી હુડુ કાશ્મીરથી અખંડ જ્યોત લઇને પાછા દ્વારકા જશે. જ્યાં કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં જઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરી પછી પોતાના ઘરે કચ્છ-માધુપુરા જઈને અખંડ જ્યોતની પધરામણી કરશે.તેઓ 26 વર્ષથી અખંડ જ્યોત તથા રામદેવપીરનો ઘોડો અને રામદેવપીરની સવારમાં 6 વાગે 11 દિવડાની આરતી અને પછી સાંજે પાંચ દિવડાની બંને ટાઈમ આરતી કરે છે. તેઓ પાછલા 26 વર્ષથી કોઈપણ પ્રકારનું અનાજ લેતા નથી. સવારમાં વહેલા છાશ અને નવ વાગ્યા પછી ચા પીવે છે. બપોર બે વાગ્યા પછી અનાજ-પાણી લેતા નથી અને સતત રામદેવપીરનું ભજન, માળા, કીર્તન અને ગુણગાન કરે છે.