પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ ........ પાટણની સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે એક છત નીચે

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2023 (11:53 IST)
પાટણ વિશે ઘણું વાંચવા અને સાંભળવા મળે છે. પાટણની સંસ્કૃતિ, તેનો ઈતિહાસ વગેરે વિશે કંઈ-કેટલુંય લખાયું છે. પાટણની રાણકી વાવ હોય કે પાટણના પટોળા, પાટણને વિશ્વફલક પર સ્થાન અપાવવા માટે આ બંનેનું માત્ર નામ જ કાફી છે. જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે વિકસીત થયેલું રીજીયોનલ સાયન્સ સેન્ટર પાટણની શાનમાં મોરપીંછ સમાન સાબીત થયું છે. 
 
આપણે સૌએ પાટણ વિશે ઘણું સાંભળ્યું છે પરંતુ આપને જો પાટણ વિશેની તમામ માહિતી એક જ છત નીચે એક જ જગ્યાએ મળી જાય તો...! જી..હા...પાટણના મ્યુઝીયમ વિશે વિદેશથી આવતા અને પાટણ બહારથી આવતા ખૂબ ઓછા લોકો જાણે છે. પરંતુ અમે જ્યારે પાટણના મ્યુઝીયમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યુ કે અહીં જ તો પાટણની ખરા અર્થમાં સંસ્કૃતિ સચવાયેલી છે. પાટણનું મ્યુઝીયમ...! મ્યુઝીયમમાં પ્રવેશ કરીએ એ પહેલા જ ત્યાંના પ્રાકૃતિક વાતાવરણના દર્શન આપને થઈ જશે. વાતાવરણની અંદર રહેલી સકારાત્મકતા આપનું મન મોહી લે છે. 
 
અહીં આવતા દરેક વ્યક્તિને એવું જ થાય છે કે કલાકોના કલાકો સુધી અહી બેસી રહીએ અને અહીનાં પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે આવતા પક્ષીઓના કલરવને માણીએ. શહેરની ઝાકમઝાળ અને શોર-બકોરથી દુર આવેલું પાટણનું મ્યુઝીયમ ખરેખર આપને એક અલગ જ દૂનિયામાં લઈ જશે. શાંતિપ્રિય લોકોએ તો ચોક્કસથી મ્યુઝીયમની મુલાકાત લેવી જોઈએ. હવે મ્યુઝીયમની અંદર પ્રવેશ કરીએ તો, અંદર પ્રવેશતા જ આપને ચારેય બાજુ સદીઓ જૂની મુર્તિઓ દ્રશ્યમાન થશે. ગણેશ ભગવાનની મૂર્તિઓ ઉપરાંત અનેક જૂની પુરાની મુર્તિઓને ખૂબ કાળજીપૂર્વક સાચવીને રાખી છે પાટણના મ્યુઝીયમે. મ્યુઝીયમની અંદર બે વિશાળ ઓરડા આવેલા છે. 
 
આ ઓરડાઓમાંથી એક ઓરડામાં પ્રવેશ કરીશુ તો શરૂઆતમાં જ પાટણ અને ગુજરાત વિશે માહિતી આપને મળી જશે. ત્યારબાદ પાટણની આન,બાન અને શાન સમાન રાણકી વાવની પ્રતિકૃતિ દ્રશ્યમાન થશે. જેમ-જેમ આપ આગળ વધશો એમ એમ આપને પરમ શાંતિનો અનુભવ થશે અને આપ જાણે 13મી 14મી સદીમાં જતા રહ્યા હોવ એવો અનુભવ થશે. એ સમયની કલાકૃતિ જોઈને મનમાં એમ થાય કે એ સમયના કલાકારો કેટલી ઉમદા કારીગરી કરતા હશે. દરેક મુર્તિઓનું નકશીખ કામ જોઈને મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે. 
 
ઓરડામાં 13મી સદીની શૈવ પ્રતિમા, કુબેર અને ઈન્દ્રની 13-14મી સદીની પ્રતિમા, માટીકળાના નમુના, પાટણની ઓળખ સમાન બિંદુસરોવરની તસવીર અને તેના વિશેની ઉંડાણપૂર્વકની માહિતી, ગુજરાતી અને ઉર્દુ ભાષાના શિલાલેખો,તામ્રપત્રો,પાટણનો કિલ્લો વગેરે અનેક અદભૂત કામો આપને જોવા મળશે. મ્યુઝીયમમાં મશરૂના કાપડ અને પાટણના પટોળાના કાપડના નમુનાઓ પણ આપને જોવા મળશે. મ્યુઝીયમમાં આવેલ બીજા ઓરડામાં પ્રવેશ કરતા જ આપને ડાયરોમા ગેલેરી જોવા મળશે. આ એક એવી ગેલેરી છે જેમાં આપને વિવિધ ઘટનાઓ લાઈવ જોવા મળશે. 
 
અદભૂત રચનાઓ ધરાવતી આ ડાયરોમાં ગેલેરીમાં જૈનાચાર્ય હેમચંદ્રસુરી દ્વારા કુમારપાળ મહારાજાને કલ્પસુત્રનું પ્રથમ વાંચન શ્રવણ કરાવવું, વડનગરની બે બહેનો તાનારીરીનો મેઘ મલ્હાર રાગ આલાપ, વીજળીના ચમકારા, વાદળની ગડગડાટી, લાઈવ સાંભળવા મળશે. ત્યાંથી બાજુમાં જશો તો આપને સિદ્ધપુરના બિંદુ સરોવરની ઉત્પતિની ઝાંખી જોવા મળશે જેમાં ભગવાન કપિલમુનિ અને તેમના માતા દેવહુતિના દર્શન થશે.
 
તદઉપરાંત મહારાજા સિદ્ધરાજ અને રાજમાતા મીનળદેવી દ્વારા સોમનાથ મંદિરની યાત્રાએ જતા યાત્રિકો પાસેથી લેવાતો મુડકા વેરો નાબૂદ કરાવ્યો હતો તે વિશે વાંચવા તો ઘણુ મળ્યું છે પરંતુ એ આખી ઘટના શિલ્પ રચના સ્વરૂપે આપ ડાયરોમાં ગેલેરીમાં લાઈવ જોઈ શકશો. પાટણ મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, પાટણના મ્યુઝીયમની મુલાકાત જો હજુ સુધી ના લીધી હોય તો જિલ્લાવાસીઓને હું મ્યુઝીયમની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવું છુ. ધો.10-12ની પરીક્ષાઓ બાદ વેકેશન માણતા વિદ્યાર્થીઓ માટે પણ પાટણની મુલાકાત લેવી યાદગાર બની રહેશે.

સંબંધિત સમાચાર

Next Article