ATM સેન્ટરમાં કાર્ડ બદલી છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. ત્યારે ATM સેન્ટરમાં છેતરપિંડીનો ભોગ બનતા કાર્ડધારકોએ જાગૃત રહેવું જરુરી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ATM કાર્ડ બદલી થયેલી છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે. કાર્ડધારક સાથે બે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. હવે પોલીસે CCTVના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રેલવે સ્ટેશન સામે ગેસ્ટહાઉસવાળી શેરીમાં રહેતા ભગાજીભાઈ વણઝારાએ ATMમાંથી પૈસા ઉપાડવા માટે પોતાનું કાર્ડ આપી પોતાના પુત્રને મોકલ્યો હતો. પુત્ર ઘરે પૈસા લીધા વગર જ આવ્યો હતો. પરંતુ, પોતાના ખાતામાંથી 1 લાખ 9 હજાર 623 રૂપિયા ઉપડી જતા ભગાજીભાઈ ચોંકી ઉઠ્યા હતા. તેઓ દ્વારા તાત્કાલીક બેંકને જાણ કરી પોતાનું કાર્ડ બ્લોક કરાવ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીનો પુત્ર જ્યારે ATMમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો ત્યારે ત્યાં સેન્ટરમાં બે અજાણ્યા શખ્સો પણ હાજર હતા. સગીર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોય બંને વ્યકિતની મદદ માગી હતી. જેથી બંનેએ ચાલાકીપૂર્વક સગીર પાસે રહેલા ATM કાર્ડનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ સગીરનું ધ્યાન ભટકાવી એક વ્યકિતએ પોતાના હાથમાં કાર્ડ લઈ પાછળ ઉભેલા અન્ય વ્યકિતને કાર્ડ આપી બદલાવી લીધું હતું. ત્યારબાદ ત્યાંથી બંને લોકો કંઈ થયું જ ન હોય તે રીતે રફુચક્કર થઈ ગયા હતા.ATM સેન્ટરમાં જે બે આરોપીઓ દ્વારા કાર્ડ બદલી લેવામાં આવ્યું હતું. તે પૈકીનો એક વ્યકિત એક પેટ્રોલપંપ પરના સીસીટીવીમાં કેદ થયો હતો. ATM કાર્ડ બદલીને છેતરપિંડી કરનારા શખ્સોએ પેટ્રોલ પંપ સહિત કાર્ડનો ઉપયોગ કરી 1 લાખ 9 હજાર રૂપિયાની ચૂકવણી કરી દીધી હોવાનું સામે આવ્યું છે.