વાઈબ્રન્ટ સમિટમાં રાજ્યની પહેલી AC ઈલેક્ટ્રિક ડબલડેકર બસ શરૂ કરાશે

Webdunia
સોમવાર, 25 ડિસેમ્બર 2023 (18:57 IST)
State's first AC electric double-decker bus
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. રોડ-રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર પરિવહનની સેવાને પણ વિશ્વ સ્તરીય બનાવવા માટે સરકારે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરમાં રાજ્યની પહેલી AC ઈલેક્ટ્રિક ડબલડેકર બસ શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ડબલ ડેકર બસની કેપેસિટી 63 બેઠકની છે. એક ચાર્જિંગ પર 250 કિમી સુધી ચાલી શકે છે. અંદાજે ત્રણ કરોડની કિંમતે મળતી એસી ઈલેક્ટ્રિક બસને વાઈબ્રન્ટ સમિટ દરમિયાન કાર્યરત કરવા કવાયત ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટ બાદ સામાન્ય નાગરિકોની અવર-જવર માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા કોર્પોરેશનને નવી બસ સોંપવા અંગે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રીન સિટીના ઉદ્દેશ સાથે ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા દરખાસ્ત તૈયાર કરી હતી. સ્થાયી સમિતીના ઠરાવ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ બસ પ્રાપ્ત કરવા માટે રજૂઆત થઈ હતી. કોર્પોરેશનની આ રજૂઆતને ધ્યાને રાખીને સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ પહેલા બસની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે.ગાંધીનગર શહેરમાં ડબલ ડેકર બસની આગવી ઓળખ હતી. અમદાવાદ-ગાંધીનગરને જોડતા માર્ગો પર ડબલ ડેકર બસ દોડતી હતી અને વસાહતીઓમાં ખૂબ પ્રિય પણ હતી. આ બસો જર્જરિત થઈ જતાં તેને 1996ના વર્ષથી તબક્કાવાર રીતે દૂર કરવામાં આવી હતી અને પાછલા 25 વર્ષથી ગાંધીનગરમાં ડબલ ડેકર બસ બંધ થઈ ગઈ છે. નાગરિકોએ ડબલ ડેકર બસ ફરી શરૂ કરવા અગાઉ માંગણીઓ કરી હતી.નાગરિકોની આ માગણીને ધ્યાને રાખી વર્ષો બાદ ડબલ ડેકર બસ સેવા શરૂ કરવા કોર્પોરેશન દ્વારા વિચારણા હાથ ધરાઈ હતી. બદલાયેલી ટેકનોલોજી અને પર્યાવરણીય સંવેદનાને ધ્યાને રાખી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે હાલ એસી ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે. આ કાફલામાં આગામી સમયમાં ડબલ ડેકર બસનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે. આમ હવે વિદેશની જેમ ગાંધીનગરમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે.

સંબંધિત સમાચાર

Next Article