આપણે વરસાદને જીવન માનીએ છીએ અને વરસાદી પાણી બચાવવા ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. અમિત દોશી અને તેના સ્ટાર્ટઅપે એક ડીવાઈસ વિકસાવ્યું છે જેની મદદથી પર્યાવરણને રક્ષણ મળે છે અને તળના પાણી સુધરે છે. આઈ-હબ, અમદાવાદ,ગુજરાત સરકાર અને ક્રેડલ ઈ.ડી.આઈ,ગાંધીનગરના સહયોગથી નીરેઈન પ્રા.લી.ને નાવાચાર આધારિત સ્ટાર્ટઅપને મંજુર કરવામાં આવ્યું છે. ૨૦૧૮માં તેની પહેલી પેટેન્ટ માટે અરજી કરવામાં આવી હતી. ત્યારથી નીરેઈન વરસાદી પાણીના સંગ્રહને લગતા નાવાચારમાં કામ કરે છે.
વિજાપુર-મહેસાણાના અમિતભાઈ વ્યવસાયે એન્જિનિયર હતા પોતાની નોકરી છોડીને પર્યાવરણ માટે કઈક કરવા આગળ આવ્યા. “ ૧૭ વર્ષની વેસ્ટ મેનેજમેન્ટની કંપનીમાં જોબ કરી મેં ૨૦૧૭માં આ નોકરી કઈક નવું કરવા છોડી દીધી. પણ હું પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ હતો. વરસાદ આધારિત પાણી સંગ્રહમાં ઘણા પ્રશ્નો હતા અને એ દિશામાં મેં રીસર્ચ કર્યું અને આગળ વધવાનું નક્કી કર્યું.”
અત્યારની પાણી સંગ્રહની પદ્ધતિ છે તે ખર્ચાળ, જટિલ અને ખુબ મેઈનટેનન્સ માંગી લે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમિતભાઈએ આ નીરેઈન ડીવાઈસ બનાવ્યું જે ઝડપથી ઇન્સ્ટોલ થાય અને નજીવા ખર્ચમાં બોરવેલકે પાણીના ટાંકામાં તાજું પાણી જમા કરી શકાય છે.
વધારે જણાવતા અમિતભાઈ કહે છે કે તેણે મેઈન્ટેનન્સ ફ્રી બે સ્ટેજના રૂફટોપ વાળુ ફિલ્ટર આ નીરેઈનમાં ઉપયોગમાં લીધેલું છે. અત્યાર સુધીમાં ૧૫૦૦ ઘરોમા ઉપયોગમાં લેવામાં આવે છે અને અમેરિકા, આફ્રિકા અને બીજા અન્ય દેશોમાં પણ એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું છે. આનાથી અત્યાર સુધીમાં ૩કરોડ લીટર તાજું પાણી સંગ્રહ કરવામાં આવ્યું છે. ૨૦૧૮માં તેની પેટેન્ટ કરાવી અને વધારે ને વધારે લોકો સુધી આ સંદેશ પહોચાડે છે.
અમિતભાઈ કહે છે કે તેઓએ ઉપકરણને એટલું સરળ બનાવ્યું છે કે ઘરના હેલ્પર, માળી, બાળક અથવા ટેકનીકલ જ્ઞાન ન ધરાવનાર કોઈપણ વ્યક્તિ પણ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા જાળવી શકે છે. આ સાધનને સગવડ ભર્યું અને ઓછી કિંમતનુ બનાવવા પાછળનો એકમાત્ર હેતુ સરળીકરણ હતો. આ સાધનનું આયુષ્ય 10 વર્ષથી વધુ છે અને સામગ્રી એબીએસથી બનેલી મજબૂત છે.આ પહેલા ઉપલબ્ધ સાધનો ખર્ચાળ હતા અને સેટઅપ માટે વધારે જગ્યાની જરૂર પડતી હતી. કારણ કે તેમાં ગ્રેવેલ એટલે કે માટીની ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીને જટિલ માળખાકીય સુવિધાઓ તેમજ ટાંકીઓનું જોડાણ વગરે પ્રશ્નો હતા.
આ ઉપરાંત ઇન્સ્ટોલ અને જાળવણી માટે મિસ્ત્રી, પ્લમ્બર અથવા વ્યાવસાયિકની જરૂર પડે છે. ચીલાચાલુ ટેક્નીસિયનો એ ફીટ કરેલા સાધનો બરાબર કામ કરી શકતા નહિ. કારણ કે તેઓને તેની જાળવણી માટે સમય કે કોઈ ટેકનીકલ માણસ મળી શક્યો ન હતો. આ માટે ખર્ચ પણ વધારે થતો હતો. ક્યારેક અમુક મકાનો જૂની પડતીના હોવાથી ઇન્સ્ટોલ ન થઈ શકતું હતું.
એબીએસ પ્લાસ્ટિકમાંથી બનેલું 1x1x1.5-ફૂટનું ઉપકરણ ઘર અથવા મકાનની દિવાલ પર ફિટ થાય છે. તે એક પાઇપ સાથે જોડાયેલ છે જે છત પરથી વરસાદી પાણી મેળવે છે અને તેને જમીન પર ચેનલાઇઝ કરે છે. નીરેઈન પાઇપની વચ્ચે બાયપાસ ગોઠવણી તરીકે બંધબેસે છે અને તેમાં બે તબક્કાની ગાળણ પ્રક્રિયા છે.
ફિલ્ટર્સ કણોની સાઈઝ પ્રમાણે નાના મોટા હોય છે. પહેલું ફિલ્ટર સુનિશ્ચિત કરે છે કે 500 માઇક્રોન સુધીના કણો એકત્રિત કરવામાં આવે અને તેમાંથી પાણી પસાર થવા દે છે.
પાણી પછી પારદર્શક કવર સાથે નાની ટાંકીમાં એકત્ર થાય છે જે પ્રક્રિયાને જોઈ શકાય તેવી બનાવી છે. પછી પાણી બીજા ફિલ્ટરમાંથી પસાર થાય છે જે 200 માઇક્રોન સુધીના કણોને પસાર થતા અટકાવે છે જે કણો લગભગ વાળની સાઈઝના હોય છે. પાણી સિસ્ટમમાંથી પસાર થાય છે અને તે શુદ્ધ, સ્વચ્છ અને તાજું થઈ અને સંગહ થાય છે. તે બોરવેલ અથવા ભૂગર્ભજળના સ્ત્રોત અથવા ટાંકીમાં વાટે બહાર નીકળી જાય છે. ફિલ્ટર્સ સફાઈ માટે છુટા કરી શકાય છે. અને લીકેજ થતું નથી. તેનો પ્લમ્બિંગ ખર્ચ ઓછો થાય છે અને તેને થોડા કલાકોમાં ઇન્સ્ટોલ કરી શકાય છે કારણ કે તેને હાલના પાઇપમાં માત્ર બાયપાસ બનાવવાનો હોય છે.
આ સરળ ટેકનિક દ્વારા ઘર અથવા આખી કોલોનીને પાણીથી સુરક્ષિત બનાવી શકાય છે. ફાઈબર ફિલ્ટરની કિંમત રૂ. 3,950, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ રૂ. 6,500 છે. જો કે, પરંપરાગત વરસાદી પાણીના સંગ્રહનો ખર્ચ રૂ. 10,000 થી રૂ. 15,000 ની વચ્ચે થાય છે. ઉપકરણ 60 થી 70% સસ્તું બને છે.
ભારતમાં તેઓ 115 કેન્દ્રોમાં 2000 થી વધુ ઇન્સ્ટોલેશન કર્યા છે. વડોદરાની વાત કરીએ તો તેઓએ ઘરો, ઉદ્યોગો, શાળા, હોસ્પિટલો અને અન્યમાં 200 થી વધુ ઉપકરણો ઇન્સ્ટોલ કર્યા છે. સપ્લાયથી લઈને ઇન્સ્ટોલેશન સુધીના વરસાદી પાણીના સંગ્રહ માટે તેલંગાણા સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. વડોદરા અને અમદાવાદમાં તેમની ઓફિસ ધરાવે છે અને કોર્પોરેશન સાથે પણ ટાઈઅપ માટે વાતચીત કરી રહ્યા છે.
આ સાધનની વિશેષતાઓ
• વરસાદી પાણીનો સંગ્રહ કરતી વખતે પાણી બચે છે.
• સરળ, વૈજ્ઞાનિક અને ભરોસેમંદ વરસાદી પાણીનું ફિલ્ટર.
• પારદર્શક ઢાંકણ ધરાવે છે, પાણીનો પ્રવાહ જોઈ શકાય છે
• કોઈ સ્થિર અશુદ્ધિઓ રહેતી નથી. કોઈ જાળવણી નો ખર્ચ નહિ. કોઈ રિકરિંગ ખર્ચ નથી
• લાખો લિટર તાજા, નરમ અને શુદ્ધ વરસાદી પાણીનો જીવનકાળ સંગ્રહ થાય છે.
• સ્થાનિક પ્લમ્બર દ્વારા બે કલાકમાં ઇન્સ્ટોલ કરી શકાય છે
• મોડ્યુલર જેવું જ આ ફિલ્ટર વાપરવા માટે તૈયાર.
• વરસાદી પાણી બચાવવા માટે વચ્ચે વચ્ચે ધ્યાન આપવાની જરૂર નથી.
• છુટા છુટા પાર્ટસ ન હોવાથી અને તેને કોઈ જાળવણીની જરૂર નથી.