રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય તેમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં ચકચાર મચાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ સોમવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રાજકોટ પોલીસના એક ડઝનથી વધુ તોડ પ્રકરણની ફરિયાદો આધાર પુરાવા સાથે રજૂ કરશે. પટેલની ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ રાજકોટ પોલીસમાં મોટી સાફસૂફી થશે તેવા એંધાણ મળી રહ્યા છે.ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટરબોમ્બ ફોડીને સનસનાટી સર્જી હતી. ત્યારબાદ વધુ એક વખત ધારાસભ્ય પટેલ કડાકા-ભડાકા કરવા જઇ રહ્યા છે. સોમવારે ગોવિંદ પટેલ રાજકોટ પોલીસે કરેલા તોડની 12 થી વધુ ફરિયાદો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળશે અને આ ફરિયાદોના તમામ પુરાવાઓ પણ રજૂ કરશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગોવિંદ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. રાજકોટ પોલીસમાં આગામી દિવસોમાં સાફસૂફી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.