કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોતની જગ્યાએ રાજીવ સાતવની નિમણૂક કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રેસિડન્ટ રાહુલ ગાંધી પાર્ટીના હિત માટે ઘણા બદલાવ કરી રહ્યા છે, જે અંતર્ગત ઘણા રાજીનામા પણ પડી ગયા છે. રાહુલ ગાંધી યુવા નેતાઓને વધુ સ્થાન આપવા માગે છે. ગુજરાતમાં બે દિવસ પહેલા જ ભરતસિંહ સોલંકીની જગ્યાએ અચાનક જ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી હતી. આજે અશોક ગેહલોતની જગ્યાએ રાજીવ સાતવને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલીથી કોંગ્રેસના સાંસદ છે. થોડા સમય પહેલા જ રાજીવ સાતવને સચિવ બનાવવામાં આવ્યા હતા.
તેઓ અશોક ગેહલોતની ટીમમાં કામ કરતા હતા. પરંતુ તેમની શાનદાર કાર્યક્ષમતા જોઈને રાહુલ ગાંધીએ તેમને મોટી જવાબદારી આપવાનો નિર્ણય કર્યો હતો.આ ઉપરાંત રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને અશોક ગેહલોતને ત્યાં વધુ ધ્યાન આપવાનું હોવાથી તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદથી છૂટ્ટા કરવામાં આવ્યા છે. રાજીવ સાતવ પહેલા સહપ્રભારી હતા. રાજીવ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમને રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે અને સંગઠનમાં તેઓ ખૂબ જ મજબૂતીથી કામ કરનારા નેતાઓમાં તેમને ગણવામાં આવે છે.