રૂપાણી સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી મોટી વયના લોકોને ફ્રીમાં મળશે વેક્સીન

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (08:09 IST)
રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
રાજ્ય સરકાર  દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન  રસી ના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં  આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મે થી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે  આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.
 
મુખ્યમંત્રીએ હવે રસીકરણનું આ અભિયાન છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આવા 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે  અને તેના આધાર ઉપર તેમને રસીકરણ અંગેની જાણ થયેથી રસીકરણ કરાવવાનું રહેશે.
 
તેમણે કહ્યું કે કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે. ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે તે જ રીતે હવે આગામી 1 મે થી 18 થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.
 
આ કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર સચિવવો, સંજીવ કુમાર હારીત શુક્લા ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરે ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article