ગુજરાતની રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે કોલ્ડવૉર ચાલી રહી હોવાની ભાજપના નેતા માની રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકારની જાહેર ખબરો અને હોર્ડિંગ્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો ગાયબ કરી દેવામાં આવતો હોવાની વધુ એક ઘટના નવરાત્રિ મહોત્સવની જાહેર ખબરમાં જોવા મળી હતી. વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની જાહેર ખબરમાં પીએમ મોદી અને સીએમ રૂપાણીનો ફોટો મુકવામાં આવે છે પરંતુ ગુજરાત સરકારના નંબર 2 પર ગણાતા નીતિન પટેલનો ફોટો નથી. અગાઉ પણ રૂપાણી સરકારમાં અનેક વખત નીતિન પટેલનો ફોટો ગાયબ કરી દેવામાં આવ્યો હતો. સીએમ અને નીતિન પટેલ વચ્ચે આંતરિક મતભેદ વચ્ચે જાહેર ખબરમાંથી નીતિન પટેલનો ફોટો ગાયબ થઈ જતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજીનામાં બાદ સીએમ પદે નીતિન પટેલને બેસાડવા માટેની તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ નીતિન પટેલને બાજૂ પર રાખી વિજય રૂપાણીને સીએમ બનાવી દેવામાં આવ્યા હતા ત્યારથી સીએમ રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે કોલ્ડવૉર ચાલતી હોવાનો ભાજપના કાર્યકરો અને નેતાઓ માની રહ્યાં છે.