પોલીસે દુર્વ્યવહાર કરતાં મીડિયાએ સીએમના કાર્યક્રમો બહિષ્કાર કર્યો
સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (11:23 IST)
હોસ્પિટલમાં સારવાર બાદ પરત ફરી રહેલા હાર્દિક પટેલનું કવરેજ કરી રહેલા પત્રકારો સાથે પોલીસના કહેવાતા દબંગ અધિકારીઓ ખાસ કરીને જેસીપી વિશ્વકર્મા દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે મીડિયા કર્મીના કેમેરા પણ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની આવી હરકતને લીધે માધ્યમોમાં ભારે પ્રત્યાઘાત પડ્યાં છે. જેને લઈને સોમવારના રોજ ઓલ મીડિયા દ્વારા CM રૂપાણીના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિજય રૂપાણી સોમવારે ગુજરાત ઔદ્યોગિક હેકેથન 2016 નું ઉદ્ઘાટન અને સમર ચેલેન્જ 2018 ના વિજેતાઓ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ માટે પુરસ્કાર વિતરણ કાર્યક્રમ માટે અમદાવાદ આવવાના છે. ગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એકિઝબિશન સેન્ટર ખાતે સીએમ રૂપાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેસીપી દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની દાદાગીરીને તાબે થયા વગર મીડિયાકર્મીઓએ ગ્રીનવુડ રિસોર્ટમાં જવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા પરંતુ પોલીસ એકની બે થવા તૈયાર ન હતી. ત્યારે પોલીસે કરેલા દુર્વ્યવહારને મીડિયાના કેમેરામેન્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપીએ જેસીપી ઝોન 1ને તપાસ કરવાનો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે આપ્યો છે. મીડિયા સાથે થયેલા દુર્વ્યવહાર બાદ પણ ગ્રીનવુડ રિસોર્ટમાં મીડિયાકર્મીઓને જવા દેવામાં આવ્યા નથી.