લ્યો બોલો મેટ્રોના ઠેકાણા નથી અને 2023 સુઘીમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુર્ણ કરાશે

Webdunia
સોમવાર, 22 મે 2017 (17:03 IST)
ગુજરાતમાં હજી મેટ્રોના ઠેકાણા નથી ત્યાં બુલેટ ટ્રેનની સમયમર્યાદા નક્કી કરાઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. NHSRC ના ટોચના અધિકારીએ માહિતી આપી છે કે મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.  તેમણે કહ્યું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાનો લક્ષ્ય છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થવા સુધીમાં તેનો અંદાજીત ખર્ચ 1.10 લાખ કરોડ રૂપિયા જેટલો થશે. આ પ્રોજેક્ટમાં 21 કિમીની અન્ડરગ્રાઉન્ડ ટનલ હશે. જેમાંથી 7 કિમીની ટનલ અન્ડર વોટર એટલે કે દરિયામાંથી પસાર થશે. ભારતમાં આવું પહેલીવાર બની રહ્યું છે. બાકીનો સમગ્ર ટ્રેક એલિવેટેડ હશે જેના કારણે જમીન સંપાદનની સમસ્યામાંથી ઘણા અંશે રાહત મળશે.

જોકે આ પણ અઘરૂં કામ છે કેમ કે અમદાવાદ અને સાબરમતીમાં બુલેટ ટ્રેનના રૂટમાં રેલવેના ઓવરબ્રિજ તેમજ મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલુ છે જેથી ટ્રેકની હાઇટ 20 મીટર જેટલી ઊંચે લઈ જવી પડશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નિર્માણ કાર્યમાં અમદાવાદ અને વડોદરા વિસ્તારને છોડીને બાકીના સમગ્ર રૂટની લાઈનના નિર્માણ માટે ભારતીય કંપનીઓ આવકાર્ય છે. 508 કિમીના સમગ્ર રૂટમાંથી 450 કિમીનો રૂટ ભારતીય કંપનીઓ કરશે. જ્યારે બાકીના કોમ્પ્લેક્સ રૂટ પર ફક્ત જાપાનીઝ કંપની જ કામ કરશે. વિશ્વમાં 70 ટકા ટ્રેનો હાઈ સ્પીડ થઈ ગઈ છે ત્યારે ભારતમાં પણ આવી ટ્રેનો ભવિષ્યની જરૂરિયાત છે. 
Next Article