અમદાવાદ શહેરમાં હવે ગરબા પણ મોડી રાત સુધી રમી શકાશે ત્યારે અમદાવાદ મેટ્રો ટ્રેન આજથી 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી દોડશે. 10 વાગ્યા બાદ 20 મિનિટના અંતરે બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવાયો છે.
સામાન્ય રીતે અમદાવાદમાં સવારે 6.20થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડે છે. શહેરમા મેટ્રો ટ્રેનની સેવા સવારે 6.20થી સવારે 7 વાગ્યા સુધી 20 મિનિટનાં અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. હવે નવરાત્રિને લઈને આજથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સવારે 6.20થી મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી દોડશે. જેનાથી ખેલૈયાઓ તથા મુસાફરોને અવરજવરમાં સરળતા રહેશે.
17 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20થી રાત્રિના 10 કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. તેમજ રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રીના 2 વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી 20 મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના 2 વાગ્યાનો રહેશે.