ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા હજી અનુભવાઈ રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ધરતીકંપની અસર જોવા મળી છે. એક અઠવાડિયા પહેલાં તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે ભૂકંપ આંચકો અનુભવાયો હતો. આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. હવે ઉપલેટા અને મહેસાણામાં ધરા ધૃજતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ભૂકંપનો આંચકો આવવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે પોણા બાર વાગ્યાની આસપાસ મહેસાણામાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહેસાણાથી 18 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનો આંચકો આવવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉપલેટામાં આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા
છેલ્લા મહિનામાં સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણેક વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. ઉપલેટામાં પણ આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. આજે સવારે મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો અને ધરતી ધ્રુજતાં લોકોમાં ભૂકંપ આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.