પાવાગઢ મંદિરે બાધા પૂરી કરવા આવેલા પરિણીત પ્રેમિકા સાથે પ્રેમીનો પગ લપસતા બંને 150 ફૂટ ઊંડી ખીણમાં પડ્યા હતા. તેઓએ આખી રાત ખીણમાં વિતાવી હતી. સવારે ખોવાયેલો મોબાઈલ મળતા 108ને ફોન કરી મદદ માગી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બંનેની શોધખોળ હાથ ધરી હતી.108ને કોઈ પત્તો ન લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં 108, પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે મહામુસીબતે તેમની શોધ કરી દોરડા અને સ્ટ્રેચર વડે રેસ્ક્યુ કર્યું હતુ. હાલ બંનેને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે કલોલનો યુવક તેની પ્રેમિકા એવી ત્રણ સંતાનોની માતા જે પિતરાઈ ભાભી હતી તેની સાથે પાવાગઢ મંદિરે બાધા પૂરી કરવા માટે આવ્યો હતો. પાવાગઢમાં માતાજીના દર્શન કરીને તળેટીમાં આવ્યા પછી તેઓએ ભૂખ લાગતા નાસ્તો ખરીદ્યો હતો. સમી સાંજે તળેટીમાં આવેલા પાતાળ તળાવની સામે હેલીકલ વાવની પાછળના જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર ઉપર નાસ્તો કરવા અને ફરવા માટે પહોંચ્યા હતા. ડુંગર ઉપર યુવકની પ્રેમિકાનો પગ લપસ્યો હતો જેનો હાથ યુવકે પકડીને તેને બચાવવા જતા યુવકવો પણ લપસ્યો હતો. બંને જણા 30થી 40 ફૂટ જેટલું જંગલના ઢાળ ઉપર ઢસડાઈને 150 ફૂટની ઊંડી ખીણમાં પડ્યા હતા. આ તળાવની વચ્ચે આવેલા માટીના ઢગલામાં યુવક અને તેની પ્રેમિકા પડ્યા હતા. જેના લીધે તેઓનો જીવ બચી ગયો હતો. આખી રાત ડરથી વિતાવી હતી. તેઓની પાસે રહેલા મોબાઇલ પણ ન મળતા વહેલી સવારે મોબાઈલ હાથ લાગતાં બંનેએ 108ને ફોન કરી મદદ માગી હતી. જોકે 108ની ટીમ દોઢ કલાક સુધી જંગલમાં ફરી હતી, પરંતુ યુવક અને યુવતીનું લોકેશન ના મળતા આખરે પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. પાવાગઢ પોલીસનો સ્ટાફ પણ બે કલાક સુધી જંગલમાં ફર્યો હતો અને આખરે યુવક અને તેની પ્રેમિકાને શોધી કાઢ્યા હતા. એક તરફ 150થી વધુ ફૂટ ઊંચી પથ્થરની ચટ્ટાન અને નીચે ભરાયેલા પાણીની વચ્ચે પડેલા બંનેને ફાયર ફાઈટરની મદદથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. મહામુસીબતે બંનેને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.