ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી રહી છે. પહેલાં ફિક્સ પગારના કર્મચારીઓને વેતનમાં 30 ટકા વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ એસટી નિગમના કર્મચારીઓની કેટલીક માંગ સંતોષીને રાજ્ય સરકારે તેમનો દિવાળીનો તહેવાર સુધાર્યો હતો. ત્યાર બાદ હવે જેલખાતાના અધિકારીઓને પણ આ દિવાળી ફળી છે.
રાજ્ય સરકારે જેલખાતાના કર્મચારીઓને મળતાં વિવિધ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેલ સિપાઈ વર્ગ-3ના તમામ કર્મચારીઓને પોલીસ કર્મચારી જેટલું જ વેતન અને ભથ્થું આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે દિવાળીના એક દિવસ પહેલા સરકારે જેલ કર્મચારીના ભથ્થામાં વધારો કરીને કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે, જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
આ નિર્ણય જેલ ખાતાના કર્મીઓના પરિવારમાં દિવાળી પર્વે સુખાકારીનો પ્રકાશ પ્રસરાવનારો બની રહેશે. તે ઉપરાંત ઉપરાંત ફિક્સ પગારના જેલ સહાયકોને રૂ.150 લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.665- રજા પગાર ચુકવવામાં આવશે. જેલ પ્રભાગના વર્ગ-3ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.25માં વધારો કરીને રૂ.500 ચુકવવામાં આવશે. સરકાર આ માટે વધારાનો 13.22 કરોડનો ખર્ચ કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતી રાજ્ય સરકાર!, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.વર્ગ-3ના કર્મચારીઓ માટે જે તા.29.08.2022થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખથી લાભ આપવામાં આવશે. તેમણે વધુમાં લખ્યું છે કે, જેલ પ્રભાગના વર્ગ-3ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.25/-માં વધારો કરીને રૂ.500/- ચુકવવામાં આવશે.