સલામ છે રાજકોટની આ હેલ્થ ઓફિસરને, 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા જાય છે

Webdunia
ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (14:46 IST)
રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઇ સૌ કોઇને સલામ કરવાનું મન થાય. કારણ કે, તેઓ 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા પહોંચી જાય છે. તેઓએ જણાવ્યું હતું કે, હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છું. જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તેના બાળકને લઇને યુદ્વના મેદાનમાં ઉતર્યા હતા તેવી જ રીતે હું પણ મારી 6 માસની બાળકીને લઇને કોરોના સામેની લડતમાં નિષ્ઠાથી મારી ફરજ બજાવું છું અને આ કાર્યથી હું ખૂબ જ ખુશ છું.

અસ્મિતાબેને ગઇકાલે લોધિડા ગામમાં સાતમી મુલાકાતની સમજાવટ બાદ રસી મુકાવવા સંમત થયેલા વૃદ્ધાને રસી આપી હતી. તેઓ આ વૃદ્ધાને છ વખત મનાવ્યા પણ તેઓ રસી આપવા સંમત થતા નહોતા. છતાં પણ અસ્મિતાબેને હાર માની નહોતી અને સાતમી વખત વૃદ્ધા પાસે ગયા અને સમજાવ્યા બાદ વૃદ્ધા રસી આપવા સંમત થયા અને વેક્સિન મુકીને જ અસ્મિતાબેને જંપ્યા હતા.રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયા કોરોનાવિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલાં છે. તેમને સંતાનમાં 6 મહિનાની દીકરી છે, જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે. પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામેગામ કોરોનાવિરોધી રસી મૂકવા જાય છે. માત્ર છ જ મહિનાની દીકરીની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે. લોધિડા ગામના એક વૃદ્ધા કોરોનાવિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોધિડાના આરોગ્યકર્મચારીઓએ છ વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃદ્ધાને સમજાવવાની કોશિશ કરી. અંતે સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો.એમ.એસ.અલીની સમજાવટ રંગ લાવી અને માજી રસી મુકાવવા તૈયાર થયાં. આ માજીને અસ્મિતાબેને રસી આપી અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે. અસ્મિતાબેન જેવા આરોગ્યકર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.

સંબંધિત સમાચાર

Next Article