રાજકોટમાં સાધુની માથા વિનાની લાશ મળી, તપાસ કરતાં એક પછી એક ખૂલ્યા રહસ્યો

બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:27 IST)
રાજકોટના પરા પિપળીયા ગામ પાસે જામનગર રોડ પર માથું વાઢેલી અવસ્થામાં એક લાશ મળી આવી હતી. પરા પિપળીયા ગામ પાસે યૂનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં એક સાધુ જેવા દેખાતા પુરૂષનો મૃતદેહ પેક કરેલો છે. આ જાણકારી મળતાં પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ત્યારબાદ એસીપી ક્રાઇમ તથા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 
 
તમને જણાવી દઇએ કે એક અઠવાડિયામાં રાજકોટમાં હત્યાની ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં રવિવારે રાત્રે ઇંડા ખાવાને લઇને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેના 36 કલાકની અંદર જ વધુ એક હત્યા સામે આવી છે. રહસ્યમયી સંજોગોમાં મળેલી આ લાશને જોતાં આ કોઇ પુરૂષ સાધુની લાગી રહી છે. સાધુની હત્યા પાછળ મહિલા સાથે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડો જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિકત તપાસમાં ખુલ્યું છે.
 
યુનિવર્સિટી પોલીસે ઘટનાને લઇને આસપાસનાં આશ્રમોમાંથી ગુમ થયેલા સાધુની વિગતો એકત્ર કરી મૃતક સાધુની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહનાં શરીર પર અને મોં પર ગંભીર ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. હત્યા કરી ઓળખ ન થાય તે માટે મોં છુંદી દેવામાં આવ્યું હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. 
 
આ કેસમાં પોલીસે ઉંડી તપાસ કરતાં એકપછી એક નવા પાના ખુલતા ગયા હતા અને હત્યાનો કેસ ઉકેલવામાં સફળતા મળી. યુનિવર્સિટી પોલીસને બાતમી મળી હતી કે ઘંટેશ્વર પાસે રહેતી ગીતા બાવાજી અને તેના પતિ જીવણ જાદવના ઘરે આવા કપડા પહેલો સાધુ આવ્યો હતો. જેને લઇને પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં મૃતક સંતોષ સોલંકી હોવાનું અને તેને ગીતા બાવાજી રેલવે સ્ટેશનથી તેના પિતા સાથે ભોજન માટે લાવી હોવાનું ખુલ્યું હતું. ભોજન બાદ સંતોષ સોલંકી અને આરોપી ગીતા વચ્ચે બોલાચાલી થતા પથ્થર મારી હત્યા કરવામાં આવી હોવાનું આરોપી ગીતા બાવાજીએ કબૂલ્યું હતું. હાલ પોલીસે ૨ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર