સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો આખો પરિવાર ગાયબ, પોલીસે શોધખોળ હાથ ધરી

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (10:19 IST)
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દેશ-વિદેશમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે, એમા પણ ખાસકરીને જ્યારે રજાનો દિવસ હોય ત્યારે તો પ્રવાસીઓનીએ ભારે ભીડ જામે છે. ત્યારે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયેલો આખેઆખો પરિવાર જ ગુમ થઈ જતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે અને તેઓનો કોઈજ પત્તો નહિ લાગતા ગુમ પરીવારના કુટુંબીજનો ચિંતાતુર બન્યા છે. 
 
મળતી માહિતી અનુસાર તા. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરામાં રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા ચંદુભાઈ પરમાર અને પોતાનો એક 9 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે ગયા બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા. 
 
પરંતુ ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરવા કેવડિયા આવી પહોંચ્યા હતા. અને એમના ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ કેવડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.
કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે 7:30 કલાકે ત્યાંથી પરત જતા નજરે ચઢે છે. એ બાદ તેઓ ક્યાં ગયા એ મામલે હાલ એમના મોબાઈલ લોકેશન પરથી કેવડિયા પોલીસ તપાસ કરી રહી છે. આ આખે આખો પરિવાર ક્યાં ગયો, એમની સાથે કોઈ અજુગતો બનાવ તો નહીં બન્યો હોય ને એ બાબત હાલ પરિવારજનોને સતાવી રહી છે. 
 
પરિવારના સભ્યોએ આ અંગે પોલીસ ને જાણ કરતા નર્મદા પોલીસે તપાસ હાથ ધરી છે.જોકે હજુસુધી આ પરિવાર અંગે કોઈજ પત્તો નહિ લાગતા ભારે રહસ્ય સર્જાયું છે. આ ફરિયાદના પગલે  નર્મદા પોલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના CCTV કેમરા ચેક કરવના ચક્રો ગતિ માન કર્યા છે.

સંબંધિત સમાચાર

Next Article