ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ચેતવણી:ગેરરીતિ આચરનાર ઉમેદવાર 3 વર્ષ માટે તમામ ભરતીમાં ગેરલાયક ઠરશે

Webdunia
શુક્રવાર, 22 એપ્રિલ 2022 (14:04 IST)
સરકારના નિર્ણયો અને પેપર લીકને કારણે બે વખત રદ થયેલી બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે 24મી એપ્રિલે યોજાનાર છે ત્યારે આ પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારો માટે ચેતવણી ઉચ્ચારી છે. ગેરરીતિ કરતા પકડાશે તે ઉમેદવારને ત્રણ વર્ષ માટે તમામ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. તેમજ ફોજદારી ફરિયાદ પણ થઇ શકે છે.ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી જાહેરાત મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ચાલુ કે બંધ હાલતમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશાવ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉમેદવારોએ આ પ્રકારના સાધનોને પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની જવાબદારીએ રાખવાના રહેશે. ગૌણ સેવા મંડળે ઉમેદવારોને એવી પણ અપીલ કરી છે કે અસામાજિક કે લેભાગુ તત્વો દ્વારા નોકરીની લાલચ આપી નાણા ઉઘરાવવાની કોશીશ કરવામાં આવે તો સાવચેત રહેવું અને જાગૃત નાગરિક તરીકે પોલીસ ફરિયાદ કરવા તથા મંડળનું ધ્યાન દોરવું.ઉલ્લેખનીય છે કે બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યાની ભરતી માટે 2019માં પરીક્ષા જાહેર કરી હતી. પરીક્ષાના થોડા દિવસ અગાઉ શૈક્ષણિક લાયકાતમાં સરકારે સુધારો કરતા આંદોલન થયું હતું જેના પગલે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો તે પછી યોજાયેલી પરીક્ષામાં પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2022માં આ પરીક્ષા યોજવાની જાહેરાત કરાઇ હતી પરંતુ ચેરમેન અસિત વોરાના રાજીનામાને કારણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા રદ કરાઇ હતી. હવે 24મીએ આખરે આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે 10.45 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.24મીએ યોજાનાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મામલે ઉમેદવારોને મદદરૂપ થવા માટે ગૌણ સેવ પસંદગી મંડળ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 120 3047 શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન ગુરૂવાર સાંજે 7 વાગ્યાથી ચાલું થઇ ગઇ છે જે 24મીએ સવારે 11 વાગ્યા સુધી ચાલું રહેશે. ઉમેદવારો પરીક્ષાલક્ષી કોઇપણ મુદ્દે આ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે.

સંબંધિત સમાચાર

Next Article