ગુજરાતમાં કમોસમી વરસાદ, અમરેલીમાં વિજળી પડતાં એકનું મોત

શુક્રવાર, 22 એપ્રિલ 2022 (11:30 IST)
ગુજરાતમાં છુટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડા અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો ખેડા, ભાવનગર અને આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
 
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાર્તાવરણ જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છુટોછવાયા કમોસમી વરસાદી છાંટા પડતા કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો.
 
વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં વાદળછાયા હવામાનને લઈને કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને આંબાવાડીમાં તૈયાર થતી પહેલા ફાલની કેરીઓમાં નુક્શાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
 
ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણનો‌ મિજાજ બદલાયો છે. ગઇકાલે બુધવારે બપોર બાદ આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા છે.
 
રોડ ભીંજવે તેવો સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થાય તેવી દહેશત ખેડૂતોને સતાવી રહી છે. આવા વાતાવરણને કારણે ઉનાળુ પાકને માઠી અસર પહોંચશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. ઠાસરા, ડાકોર તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
 
ઉનાળામાં વરસાદી છાંટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આવા વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર