25 જેલોમાં 15000 કેદીને કોરોનાના કહેરથી બચાવવા પ્રતિબંધો અમલી કરાયા

Webdunia
શનિવાર, 21 માર્ચ 2020 (15:19 IST)
‘કોરોના’ના સેકન્ડ સ્ટેજથી થર્ડ સ્ટેજ તરફ પ્રયાણ સમયે ગુજરાતની 25 જેલોમાં રહેલા 15000 કેદીઓને આ રોગચાળાથી બચાવવા માટે જેલતંત્રએ પણ આવશ્યક પ્રતિબંધો મુક્યા છે. રાજ્યની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવે આજે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે, જેલમાં કેદીઓની તેમના સ્વજનો સાથે રૂબરૂ મુલાકાત, કેદીઓને ઘરના ટિફિન ઉપરાંત કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાં ‘કાપ’ મુકાયો છે. કેદીઓને કોર્ટમાં રજૂ કરવા અને સ્વજનો સાથે મુલાકાત માટે ‘વિડિયો કોન્ફરન્સ’ની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની 25 જેલ, સબ-જેલમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની તમામ જેલમાં રહેલા અંદાજે 25000 કેદીમાંથી એકપણ અત્યાર સુધી કોરોના અસરગ્રસ્ત જણાયાં નથી. છતાં, જરૂરિયાત જણાય તો સાબરમતી જેલ ખાતે ‘કોરોના આઈસોલેશન વોર્ડ’ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ જેલોમાં કેદીઓની આરોગ્ય જાળવણી માટે તબીબી ટીમો, આવશ્યક સ્વચ્છતા ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદ સહીત રાજ્યની જેલમાં નવા પ્રવેશતા પ્રત્યેક કેદીનું સૌ પ્રથમ સ્કેનિંગ કરી શરીરનું તાપમાન ચકાસવામાં આવે છે. જેલોમાં કુલ ૯૩ જેટલા ડોકટરનો સ્ટાફ છે અને જેલમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કેદીઓ તથા જેલ સિપાહીઓને પણ માસ્ક આપવામાં આવ્યા છે. જેલ સ્ટાફનું પણ સ્કેનીંગ કરવામાં આવે છે.  25 જેલોમાં રહેલા કેદીને રોગથી બચાવવા ૩૩ અદાલતોમાં વિડીઓ કોન્ફરન્સથી રજુ કરવામાં આવે છે. જેલમાં કેદીઓની સ્વજનો સાથે વિડીઓ કોન્ફરેન્સ અથવા અતિ જરૂરી હોય તો ઓછામાં ઓછું ૩ ફૂટનું અંતર રાખીને મુલાકાત કરાવવામાં આવે છે. કેદીઓને જેલમાં બનાવેલ ભોજન જ આપવાનું શરૂ કરી ઘરનું ટીફિન બંધ કરાયું છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article