વિદેશથી આવેલી વ્યક્તિના ક્વોરોન્ટાઇન માટે હેલ્પલાઇન નંબર પર ફોન કરો
શનિવાર, 21 માર્ચ 2020 (12:58 IST)
કોરોના વાઇરસના અમદાવાદમાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા બાદ વિદેશથી આવેલા લોકોના કારણે અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે તેઓને 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. વિદેશથી આવેલી વ્યક્તિએ 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા જરૂરી છે. જેના માટે કોર્પોરેશન દ્વારા AMCની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગનું હેલ્પલાઇન નંબર 104, કોર્પોરેશનનો હેલ્પલાઇન નંબર 15503 અથવા 9726416131 પર ફોન કરી વિદેશથી આવેલી વ્યક્તિને હોમ ક્વોરોન્ટાઇન માટે માહિતી આપી શકે છે. જો તમારી આજુબાજુમાં અથવા તો મિત્ર વર્તુળમાં છેલ્લા 10-15 દિવસથી વિદેશથી કોઈ વ્યક્તિ આવી હોય તો તેઓને ક્વોરોન્ટાઇનમાં રહેવું જરૂરી છે. AMCની વેબસાઈટ પર વિદેશથી આવેલી વ્યક્તિ અથવા અન્ય વ્યક્તિ https://ahmedabadcity.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી જાણ કરી શકે છે. ઉપરાંત 9726416131 નંબર પર ફોન કરી શકે છે. આ તમામ નંબર પરથી ક્વોરોન્ટાઇન માટે જાણ કરશે તો તેઓને માસ્ક અને સેનિટાઈઝર સહિતની કીટ આપવામાં આવશે. જો વિદેશથી આવેલા વ્યક્તિનો પરિવાર 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા માંગે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મફતમાં તેમના ઘરે પોહચાડી શકશે.