આજથી રાજ્યમાં 12 લાખ બાળકો તથા 13 લાખ સગર્ભાને જુદા જુદાં રોગ માટેની રસી વિનામુલ્યે અપાશે

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (10:53 IST)
ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઊંટાટિયું, ધનુર, ન્યુમોનિયા તથા મગજના તાવની રસી અપાશે
ગુજરાતમાં 8.12 લાખને કોરોનાની રસીનાપ્રથમ ડોઝનું અને 51 હજારને બીજા ડોઝનું રસીકરણ કરાયું
 
ગુજરાતમાં 12 લાખ બાળકો અને 13 લાખથી વધુ મહિલાઓને જુદા જુદાં રોગ માટેની રસી આપવાની ઝુંબેશનો આગામી 22મી ફેબુ્રઆરીથી આરંભ કરવાની ગુજરાતના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. રસીકરણના પ્રથમ રાઉન્ટમાં ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઊટાટિયું, ધનુર, હિબ બેક્ટેરિયાથી થતાં ન્યુમોનિયા, મગજનો તાવ, જેવા રોગો તથા રોટા વાયરસથી થતાં ઝાડા, ઓરિ અને રૂબેલા જેવી બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે આ રસીઓ આપવામાં આવશે.
બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી અપાશે
આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી પૂરી પાડવામાં આવશે. આ રસીકરણની ઝુંબેશથી 90 ટકા સમાજને રોગમુક્ત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણનો પ્રથમ રાઉન્ડ 22મી ફેબુ્રઆરીએ અને બીજો રાઉન્ડ 22મી માર્ચે શરૂ કરવામાં આવશે. આ રાઉન્ટ 15 દિવસ સુધી ચલાવવામાં આવશે. મમતા દિન, કોવિડ રસીકરણ અને રજાના દિવસો સિવાયના દિવસો દરમિયાન આ રસીઓ આપવામાં આવશે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 નગરપાલિકાના વિસ્તારોના બાળકો અને માતાઓના આ રસીકરણનો લાભ આપવામાં આવશે.
બાળમૃત્યુનો દર નીચે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું 
મિશન ઇન્દ્રધનુષ  હેઠળ પ્રથમ હરોળના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શહેરી સ્લમ વિસ્તારોમાં તેમ જ અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારોમાં તથા ગીચવસ્તીવાળી ઝુપડપટ્ટીઓ, ઇંટના ભઠ્ઠાઓ, માછીમારોની વસતિ, બાંધકામના અને ઔદ્યોગિક વિસ્તારો, પહાડી વિસ્તારોમાં આવેલી વસાહતોમાં ઘરે ઘરે જઈને રસી આપવામાં આવશે. રસી ન મેળવી શકેલા બાળકોની યાદી પણ આ સાથે જ તૈયાર કરવામાં આવશે. રસીકરણની સેવાથી વંચિત રહી ગયેલા બાળકોને આવરી લેવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે બાળમૃત્યુનો દર નીચે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 8.12 લાખને પ્રથમ ડોઝ, 51 હજારને બીજા ડોઝનું રસીકરણ કરાયું
ગુજરાતમાં કોરોનાના બીજા ડોઝના રસીકરણ હાલ કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી  કુલ 8 લાખ 63 હજાર 569 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ રસીકરણ થયું હોય તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 12 હજાર 333 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું જ્યારે 51 હજાર 286 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. હાલ ગુજરાતમાં પ્રતિ 10 લાખની  વસતીએ સરેરાશ 3927 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. જ્યારે 1.70 લાખ વ્યક્તિના કમસેકમ એકવાર કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

Next Article