ગુજરાત સરકારનો વૈદિક પ્લાનઃ ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે

Webdunia
ગુરુવાર, 24 મે 2018 (12:53 IST)
વિજય રૂપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર ૩૧ મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરૂણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે. ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ નદી, તળાવો, કેનાલ્સ તેમજ પાણીનો સંગ્રહ કરતા અન્ય સંસાધનોને ઉંડા કરવામાં આવ્યા હતા જેથી ચોમાસામાં સિંચાઈ માટેનું પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય. બુધવારે થયેલી રાજ્યની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં સારો વરસાદ પડે તેની પ્રાર્થના કરવા માટે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતભરમાં ૪૧ સ્થળોએ આ યજ્ઞો થશે અને પ્રસાદ વહેંચવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ યજ્ઞોમાં ભાગ લેશે. ગુજરાતમાં આ ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડ્યો છે. ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતના 204 ડેમ્સમાં માત્ર 29 ટકા જ પાણી છે. પાછલા વર્ષે આ સમય દરમિયાન 40 ટકા પાણી ઉપલબ્ધ હતું. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રુપાણી સરકારને ચિંતા છે તે, જો ચોમાસામાં વરસાદ ઓછો પડશે અને પાણીની તંગીની સ્થિતિ વકરશે તો ચૂંટણીમાં તેની અસર જોવા મળશે. આ ઉપરાંત કલેક્ટર્સને તેમના જિલ્લામાં યજ્ઞનું આયોજન કરવાનો આદેશ અપાયો છે અને સીનિયર IAS ઓફિસર એ.એમ.તિવારીને ઈવેન્ટના ઈન-ચાર્જ રાખવામાં આવ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી ખાસ કળશ મંગાવવામાં આવશે અને મોટા પ્રમાણમાં તેને વહેંચવામાં આવશે. આ સિવાય ગ્રામીણો અને શહેરીજનોને યજ્ઞમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

Next Article