ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ એટલાં કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગનો અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયાં છે.
રાજ્યમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમો, રેલીઓ અને માસ્ક વિના લોકોના મેળાવડાને પરિણામે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની તુલનાએ આ વખતે બમણી ઝડપે કેસો આવતાં સરકાર પણ દવાઓ, બેડ, ઈન્જેક્શનનો સ્ટોક કરી રાખ્યો છે. હાલ રાજ્યના આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગર જિલ્લામાં નવા કેસો રોકેટની ઝડપે વધી રહ્યા છે. એવામાં આ જિલ્લાઓમાં પણ કડક પ્રતિબંધો અંગે સરકારે વિચારવું જોઈએ.
24 જિલ્લામાં ફેલાયું સંક્રમણ
રાજ્યમાં આવતા નવા કેસોની વાત કરીએ તો 21 થી 24 ડિસેમ્બર સુધી જે 12-13 જિલ્લામાં દૈનિક કેસો આવતા હતા, એ 28મી ડિસેમ્બરથી વધીને 24 જિલ્લા સુધી થઈ ગયા. આમ, 3 દિવસમાં જ વધુ 11 નવા જિલ્લામાં કોરોનાના કેસો આવવા લાગ્યા છે. એવામાં ફરીથી નાનાં શહેરો અને ગામડાંમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં બીજી લહેર વખત જેવી હોસ્પિટલોની બહાર લાઈનો લાગવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.