ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે. જેને પગલે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૌલિનભાઈના પિતા અરવિંદભાઈ વૈષ્ણવ ફાયર ઓફિસર હતા અને તેમની પ્રેરણાથી જ મૌલિનભાઈએ ફાયરનો કોર્સ કર્યા બાદ ફાયર ઓફિસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. મૌલિનભાઈના સ્વભાવમાં શિષ્ટતા અને મેનેજમેન્ટના ગુણ હતા.
મૌલિનભાઈ વૈષ્ણવની કોંગ્રેસના અદના કાર્યકર તરીકે સફળ કામગીરી નિહાળીને કોંગ્રેસના તમામ આગેવાનોના માનીતા કાર્યકર બન્યા હતા ખાસ કરીને સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના એક પરિવાર જન તરીકેની આગવી ઓળખ પણ હતી.
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા અદા કરી હતી. તદ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે તેમજ મેરી ટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ વર્ષો સુધી સેવા આપી હતી.
રાષ્ટ્રીય કક્ષાએ સુરેશ પચોરી, રાજેશ પાયલટ અશોક ગેલોત તેમજ સુનીલ દત્ત જેવા નેતાઓ સાથે સંબંધો રહ્યા હતા. તેમજ વડોદરા શહેર કોંગ્રેસ હંમેશા મૌલિનભાઈને અનુશાસન સંગઠનાત્મક શક્તિ રચનાત્મક કાર્યક્રમો અને મેન ઓફ કમિટમેન્ટ તરીકે યાદ રાખશે. વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.