અમદાવાદના ચાંદખેડામાં રહેતા ભાજપના સક્રિય મહિલા કાર્યકરે ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. 6 મહિના પહેલાં જ આ મહિલાના પતિનું અવસાન થયું હતું, ત્યારથી તેઓ ડિપ્રેશનમાં રહેતાં હોવાથી તેમની સારવાર પણ ચાલતી હતી.
મહિલાએ આત્મહત્યા કરતા પહેલાં 2 દીકરીને સંબોધીને ચિઠ્ઠી લખી હતી, જેમાં તેઓ જિંદગીથી કંટાળીને આ પગલું ભરી રહ્યાં હોવાનું લખ્યું હતું. મોટેરા નિર્મલ કલા સોસાયટીમાં રહેતાં પિનલબહેન ચેતનકુમાર શાહ(50) ભાજપના સક્રિય કાર્યકર હતાં. પિનલબહેનના પતિ ચેતનકુમારનું 6 મહિના પહેલાં અવસાન થયું હતું, જ્યારે તેમની 2 દીકરીમાંથી એક દીકરી વિદેશમાં રહે છે. પતિના અવસાન બાદ પિનલબહેન ડિપ્રેશનમાં આવી ગયાં હોવાથી તેમની સારવાર પણ ચાલી રહી હતી.
બુધવારે રાતે તેઓ બેડરૂમમાં ગયાં પરંતુ ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી બહાર આવ્યા ન હતા. જેથી પરિવારના સભ્યો જગાડવા ગયા પરંતુ તેમણે દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને જોયું તો તેમણે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી પિનલબહેનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે પોલીસે તપાસ કરતા તેમના બેડરૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેમણે બંને દીકરીને સંબોધીને લખ્યું હતું કે, મને માફ કરજો, હું જિંદગીથી કંટાળીને આ પગલું ભરી રહી છું. જેના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.