ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે દુષ્ક્રમ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતાં કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ-સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભપાત સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમા પર પહોંચી ગયો છે.
કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન
સુરતમાં હવે લંપટ સાધુ સામે સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓને હટાવો અને ધર્મને બચાવોનાં પોસ્ટર પર લખાણો લખી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.આ લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવા સુરતથી 300 જેટલા લોકો અલગ અલગ ગામડાઓમાં જઈ પ્રચાર કરશે અને યૌનશોષણ અને કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન કરશે.
હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને
હરિભક્તોએ નામ સાથેનાં પોસ્ટરોમાં લખ્યું છે કે, ગુરુકુળ હટાવો, બાળકોનું યૌનશોષણ અટકાવો. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને લંટપ સ્વામીઓનાં નામ સાથે વિરોધ કર્યો છે. હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને ઊતર્યા છે. સુરતથી 300થી વધુ કાર અલગ અલગ શહેરો, ગામડાઓ અને તાલુકાઓમાં જશે અને આવા લંપટ સાધુઓ વિરુદ્ધ કેવી રીતે સજાગ થવું અને કઈ રીતે તેમને પોતાની અશ્લીલતાનું ભાન કરાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. 50થી વધુ આવા લંપટ સાધુઓનું લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે કે જેઓ પોતાની હવસ સંતોષવા સાધુઓનો વેષ લઇ કુકૃત્ય કરે છે.