- ફેક્ટરીમાં વેલ્ડિંગ કરતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
- મેજર કોલ જાહેર કરાતાં ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરવિભાગની મદદ લેવાઈ
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના લાલવપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચારેબાજુ આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે. આ ઘટનામાં ચાર મજૂરોનું દાઝી જવાથી મોત નિપજ્યું છે. તેમજ પાંચ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો છે. આગને કારણે હિંમતનગર મોડાસા રોડ બંધ કરવામાં આવ્યો હતો. આગ લાગતા લલિત, અજય, રામભાઈ, સાજન નામના શ્રમિકના મોત નીપજ્યાં છે.
આગની ઘટનાથી માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતાં. આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું હતું. પોલીસને આગની ઘટનાની માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અવ્યવસ્થા સર્જાતા લોકોના ટોળાને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરવિભાગની ગાડીઓ બોલાવાઈ હતી.