લીંબડીના બોરાણા ગામે માતા-પિતાનો ઝગડો શાંત પાડવા વચ્ચે પડેલા પુત્ર પર પિતાએ ફાયરિંગ કર્યુ, પુત્રનું મોત

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (14:47 IST)
સુરેન્દ્રનગરમાં લીંબડીના બોરાણા ગામે ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાએ પુત્ર ઉપર ફાયરિંગ કરતા પુત્રનું મોત થયું છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. ત્યારે ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને સરેઆમ હત્યાના બનાવો જિલ્લામાં સતત વધતા જઈ રહ્યા છે.
 

આ વચ્ચે લીંબડીના બોરાણા ગામે પિતાએ પુત્ર ઉપર ફાયરિંગ કરીને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો છે.આ ઘટનાની મળતી વિગત અનુસાર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે મોડી સાંજે પિતા અને માતા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. તે સમયે પુત્ર આ ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડતા પિતા ઉશ્કેરાઇ ગયા હતા અને ઘરમાં પડેલું ગેરકાયદેસર દેશી હથિયાર સાથે યુવકના છાતીના ભાગે ફાયરિંગ કર્યુ હતું. તેને લઈને પુત્ર મહેન્દ્ર મંદુરિયાણીને છાતીના ભાગે ગોળી ઘૂસી જતા ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. જેને લઈને ચકચાર મચી છે.

આ બાબતની જાણકારી લીંબડી પોલીસને થતા પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અંગે પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર હાલમાં પુત્ર પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારનારા પિતા પીતામ્બર ફરાર થયા છે. ત્યારે આ મામલે લીંબડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ યુવકની ડેડબોડીને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે. સગા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં મામલો ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે. પરિવારમાં પણ કલ્પાંત સર્જાયો છે. આજે વહેલી સવારે લીંબડી પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાથ ધરી અને હત્યારા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર ગત મોડી સાંજે પીતામ્બર અને તેમના પત્ની બંને કોઈ કારણોસર ઝઘડી રહ્યા હતા. તે સમયે બહારથી આવેલો પુત્ર મહેન્દ્ર માતાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. તે સમયે પીતામ્બર કે જે પુત્રના પિતા છે તેમના દ્વારા ઘરમાં પડેલું દેશી હથિયાર વડે પુત્ર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મહેન્દ્રને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ડોક્ટરની ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.પ્રાથમિક વિગતમાં તેને બેથી ત્રણ ગોળી લાગી હોવાનું બહાર આવ્યુ છે. પોલીસ દ્વારા આ મામલે તેનું સીટીસ્કેન ડેડબોડીને કરાવી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને બ્લડીંગ થઈ ગયું હોય ફાયરિંગ દરમિયાન જેથી તેનું મોત નિપજ્યું હોવાનું ખુલ્યું છે.લીંબડી સિવિલ હોસ્પિટલમાં મોડી સાંજે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માતા-પિતાની નજર સામેં પુત્ર દેહ છોડી જતા ચકચાર મચી છે. ખુદ પિતા એ જ પુત્ર ઉપર ફાયરિંગ કર્યું હોવાનું પણ માતા દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article