રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ હવે પ્રચાર શરૂ કરી દીધો છે. તેની સાથે આજથી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે પણ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. તેની સાથે ભાજપે આ ચૂંટણી માટે મુરતીયા પસંદ કરવાનું મંથન પણ શરૂ કરી દીધું છે. આજથી મુખ્યમંત્રી નિવાસે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક યોજાશે. જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાશે
21 તારીખે રાજ્યની છ મહાનગર પાલિકાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થશે અને તેની મત ગણતરી 23મી ફેબ્રુઆરીએ યોજાશે. ત્યાર બાદ 28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. જેની મતગણતરી 2જી માર્ચના રોજ યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12મી ફેબ્રુઆરી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે મેરેથોન બેઠકો શરૂ કરી દીધી છે. એક બાજુ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટિકીટનો વિવાદ બંને તરફ જાગ્યો છે. ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બંને પક્ષ માટે આકરી બની રહે તેમ છે.
મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના પાર્લામેન્ટરી બોર્ડના 13 સભ્યો હાજર રહેશે. સતત ચાર દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ભાજપ આ ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કરશે. પાલિકા અને પંચાયતના કુલ 6433 ઉમેદવારો માટે ભાજપ દ્વારા આજથી મંથન શરૂ કરવામાં આવ્યું છે.છ મહાનગર પાલિકા માટે ભાજપની 1થી3 ફેબ્રુઆરી સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મળી હતી. જેમાં મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપમાં ટિકીટ કપાતા અનેક કાર્યકરોએ દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો.