રાજયના ૩ જીલ્લામાં ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ, 24 કલાકમાં 6 આંચકા

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (13:50 IST)
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા દોઢેક માસથી ભૂકંપના આંચકા દરરોજ અનુભવાઇ રહ્યા છે. લોકોમાં પણ એક ભયનો માહોલ બન્યો છે ત્યારે ગઈકાલે રાત્રીથી આજે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતમાં ભૂકંપના 6 આંચકા અનુભવાતા લોકોમાં ભારે ભય વ્યાપી જવા પામ્યો છે. 
 
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે , મંગળવારે રાત્રે 12 :00 વાગ્યે કચ્છના ભચાઉમાં 1.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી 12 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ નોંધાયું હતું. જયારે રાત્રીના 1 : 11 વાગ્યે જામનગરમાં 1.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ જામનગર થી 23 કિલોમીટર દૂર પશ્ચિમ દિશા તરફ હતું. 
 
ત્યારબાદ વહેલી સવારે 4: 06 વાગ્યે ફરીવાર જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 1.9 ની હતી. જેનું કેન્દ્ર બિંદુ જામનગર થી 24 કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ હતું. આજે સવારે 6: 30 વાગ્યે ગુજરાતના ઉકાઈ ખાતે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ ઉકાઈથી 41 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. 
 
આ ભૂકંપ બાદ સવારે 7: 25 વાગ્યે ફરી એકવાર ઉકાઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 1.8 ની હતી. આ ઉપરાંત આજે સવારે 9: 03 વાગ્યે કચ્છના રાપરમાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ રાપર થી 20 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. 
 
આ જ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રાત્રિના 12 વાગ્યાથી માંડીને સવારના 9 વાગ્યા સુધીમાં ભૂકંપના હળવા 6 આંચકા અનુભવાયા હતા. જોકે હળવા આંચકા હોવાથી અને રાત્રીના ધરા ધ્રુજતા લોકોને ખાસ કોઈ અસર થઈ ન હતી.

સંબંધિત સમાચાર

Next Article