કચ્છમાં ફરીવાર ધરા ઘ્રુજી, દુધઈમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (12:48 IST)
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે ફરીવાર કચ્છમાં ધરતીકંપ આવ્યો છે. સવારે 11:30 વાગ્યાની આસપાસ દુધઈમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  ભૂકંપના  આંચકથી આસપાસના ગામોમાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી.

8મી ફેબ્રુઆરીએ  કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. તે ઉપરાંત 9મી ફેબ્રુઆરીએ ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

સંબંધિત સમાચાર

Next Article