દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતીની સમીક્ષા કરાઇ, રૂપાણીએ કહ્યું વધતા કેસોને નિયંત્રણ-કાબૂમાં રાખવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (19:17 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રાજ્યોમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતી અંગે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં સ્પષ્ટ નિર્ધાર દર્શાવ્યો કે કોરોનાના વધતા કેસોને ગુજરાત સઘન આરોગ્યલક્ષી પગલાંઓ અને વ્યાપક રસીકરણ સહિતના ઉપાયોથી નિયંત્રણમાં રાખવા સંપૂર્ણ સજ્જ છે. વડાપ્રધાનએ દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંબંધિત રાજ્યોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતી અને રાજ્ય સરકારો દ્વારા તે સંદર્ભમાં હાથ ધરાઇ રહેલા ઉપાયોની સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સથી હાથ ધરી હતી. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી -નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો સાથે આ બેઠકમાં ગાંધીનગરથી જોડાયા હતા.મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોરોના- કોવિડ-19ના હાલના વધતા કેસો સામે આરોગ્યલક્ષી પગલાંઓની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ સામે જે મંત્ર ‘દવાઇ ભી ઔર કડાઇ ભી’ આપ્યો છે તેનો ગુજરાતમાં સુચારૂ અમલ કરીને ગુજરાત કોરોનાના વધતા કેસો સામે પણ અડગ રીતે પેશ આવી ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેની તકેદારી રાખશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
 
તેમણે આ સંદભર્માં કહ્યું કે, રાજ્યમાં જે જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં કોવિડ કેસોની સંખ્યા વધી છે ત્યાં ધનવંતરી રથ અને સર્વેલન્સ વધુ તેજ ગતિએ કાર્યરત કરાયા છે. સમગ્ર રાજ્યમાં ૭૭પ ધનવંતરી રથ સેવારત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને ફરજિયાત માસ્કના નિયમોનું કડકાઇથી પાલન કરાવીયે છીયે. એટલું જ નહિ, આ નિયમોનું પાલન ન કરનારા વ્યક્તિઓ પાસેથી દંડ પણ વસુલવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધતાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારીને ત્યાં સર્વેલન્સ સઘન કર્યુ છે. આવા, ૩૧૪૬ કન્ટેનમેન્ટ ઝોન રાજ્યભરમાં છે અને ૪૦૦૦થી વધુ મેડિકલ ટીમની મદદથી સર્વેલન્સ હાથ ધરાઇ રહ્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશનની વ્યાપક કામગીરીથી અવગત કરાવતાં કહ્યું કે, ગુજરાત વેકસીનેશનમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે. અત્યાર સુધીમાં રર લાખ ૧પ હજાર વ્યક્તિઓને કોવિડ-19 વેકસીનનો પહેલો ડોઝ અને પ.૪ર લાખને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ રોજના સરેરાશ ૧.પ૦ લાખ લોકોનું વેકસીનેશન કરાય છે તે વધારીને સરેરાશ દરરોજ ૩ લાખ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
 
મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યના ચાર મહાનગરોમાં તા.૩૧ માર્ચ સુધી રાત્રિના ૧૦થી સવારના ૬ સુધી કરફયુનો અમલ કરાવાઇ રહ્યો છે. સાથોસાથ રેલ્વે સ્ટેશન, એર પોર્ટસ અને રાજ્યની સરહદો સાથે જોડાયેલા માર્ગો દ્વારા ગુજરાત આવતા યાત્રિકો-વ્યક્તિઓનું સ્કીનીંગ પણ કરવામાં આવે છે અને લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરીને તાત્કાલિક જરૂરી ઇલાજ સુવિધા આપીએ છીયે. મુખ્યમંત્રીએ કોરોના કોવિડ-19 નિયંત્રણ માટેના કેન્દ્ર સરકારના જે દિશા નિર્દેશો અપાશે તેનો રાજ્યમાં યોગ્ય અમલ કરવાની પણ ખાતરી બેઠકમાં આપી હતી.

સંબંધિત સમાચાર

Next Article