રાજ્યમાં ત્રણ તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે

Webdunia
મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (12:01 IST)
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એટલે જ તમામ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ જ નાગરિકોને રસી આપવામાં આવશે. 
 
અમદાવાદમાં  રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિનનું આર્થિક ભારણ ગરીબ અને મધ્યમવર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે. 
 
કોરોના સામેની વેક્સિન અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્રના આયોજનની રૂપરેખા આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું, કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ફ્રંટલાઈન વોરિયર્સ- મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો-મોર્બિડ(ડાયાબીટીસી,બ્લડપ્રેશર વગેરે)ની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે. કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી અપાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 
 
નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકની સલામતી એ ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, આજ દિન સુધી કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે રુપિયા 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારે વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર રસીકરણનો આરંભ કરશે. 
 
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાને લઈને રાજ્ય સરકારે રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઉજવવાનું નક્કી કર્યું છે, પણ તેમ છતાં નાગરિકો ઉત્તરાયણ ઉજવી શકે તે માટે જરુરી છૂટછાટ અંગે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે.   
 
નીતિન પટેલેએ મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ગુજરાતીઓની દાન આપવાની ઉજ્જવળ પરંપરાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે સૌએ જોયું છે કે સારા કામ માટે સમાજ હંમેશા આગળ આવ્યો છે. તેમણે મોક્ષવાહિની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, દાન આપવાની ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે. 
 
 
નાયબ મુખ્યમંત્રીએ સદવિચાર પરિવારના સેવા-વારસાને ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સંસ્થામાં હરિભાઈ પંચાલ અને ડોંગરેજી મહારાજ જેવા સમાજસેવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. તેમણે સદવિચાર પરિવાર દ્વારા હાથ ધરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article