રાજકોટ પોલીસ કમિશનર સામે ત્રણ દિવસમાં તપાસ પૂરી કરો, DGPને 72 કલાકમાં અહેવાલ આપો

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (09:24 IST)
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લઈ મનોજ અગ્રવાલની તાત્કાલિક અસરથી બદલી કરવાનો તખ્તો ઘડાઇ ગયો હોવાનું ગૃહ વિભાગના સૂત્રોથી જાણવા મળ્યું છે. આ બાબતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું કે, ડીજીને ત્રણ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવાની તાકીદ કરી છે.ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટના વેપારી સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. કમિશનરે વસૂલાયેલી રકમનો 15 ટકા હિસ્સો પીઆઈ ગઢવી મારફતે માગ્યો હતો અને વસૂલાયેલા 7 કરોડ સામે 75 લાખ પડાવ્યા હતા. વેપારી મહેશ સખિયા સાથે 15 કરોડની છેતરપિંડીના મામલામાં પૈસા પડાવ્યાની ફરિયાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી હતી. છેવટે ગોવિંદ પટેલ અને સાંસદ મોહન મોકરિયાએ સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો.સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્ય અને સાંસદે આક્ષેપ કરતા રાજ્ય સરકાર પાસે પોલીસ અધિકારી સામે પગલાં ભરવા સિવાય કોઈ વિકલ્પ નથી. રાજ્ય સરકાર પગલાં ન ભરે તો તેમના જ ધારાસભ્ય-સાંસદ ખોટા આક્ષેપ કરે છે તેવું સાબિત થાય.

સંબંધિત સમાચાર

Next Article