By-elections Date - ગુજરાતમાં 2 મનપાની 3 બેઠક અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી જાહેર

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2023 (18:25 IST)
પેટા ચૂંટણીમાં 6 ઓગસ્ટે મતદાન અને 8 ઓગસ્ટે મતગણતરી થશે
જો કે હજુ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણીઓ બાકી
 
Ahmedabad news -  ગુજરાતમાં પ્રસંગોપાત ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે આજે જાહેરાત કરી દીધી છે. રાજ્યની બે મહાનગર પાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.આ ચૂંટણીનું 6 ઓગસ્ટે મતદાન અને 8 ઓગસ્ટે મતગણતરી થશે. રાજ્ય ચૂંટણી આયોગે આજથી જ જાહેરનામું અમલી કર્યું છે. જો કે, હજી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓની જાહેરાતો બાકી છે. 
 
22 જુલાઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખ
બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગે રાજકોટ અને સુરત સહિત નગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક પણ કરી દીધી છે. 17 જુલાઈથી પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, ઉમેદવાર માટે 22 જુલાઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 25 તારીખે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. 
 
આ મનપા અને નગરપાલિકાઓમાં પેટાચૂંટણી યોજાશે
મહાનગર પાલિકાની પેટાચૂંટણીની વાત કરીએ તો સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (સ્ત્રી) પર તેમજ અન્ય સામાન્ય બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જ્યારે ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીરસોમનાથ અને પંચમહાલ જિલ્લાની નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી યોજાશે.

સંબંધિત સમાચાર

Next Article